પિતાએ ખેતર વેચીને બૅન્કમાં મૂકેલા ૧૪ લાખ રૂપિયા ૧૩ વર્ષના દીકરાએ ઑનલાઇન ગેમમાં ગુમાવ્યા અને પછી આત્મહત્યા કરી

17 September, 2025 12:45 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

સોમવારે સુરેશકુમાર બૅન્કમાંથી રકમ કાઢવા ગયા ત્યારે ખબર પડી કે ખાતામાં પૈસા નથી એટલે તેમણે પાસબુક અપડેટ કરાવી અને ખબર પડી કે કોઈક ભળતા જ ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે

દીકરો અને તેના માતા-પિતા

ઉત્તર પ્રદેશના લખનઉમાં ૧૩ વર્ષના યશ નામના છોકરાએ ગેમિંગની લતમાં પિતા સુરેશકુમારની બચત ફૂંકી મારી હતી. પિતાએ ઘર બનાવવા માટે ખેતર વેચીને થોડીક રકમ બૅન્કમાં જમા કરાવી હતી. દીકરાએ ૧૪ લાખ રૂપિયા ઑનલાઇન ગેમિંગમાં ઉડાડી માર્યા હતા. સોમવારે સુરેશકુમાર બૅન્કમાંથી રકમ કાઢવા ગયા ત્યારે ખબર પડી કે ખાતામાં પૈસા નથી એટલે તેમણે પાસબુક અપડેટ કરાવી અને ખબર પડી કે કોઈક ભળતા જ ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે. બૅન્ક-મૅનેજરને તેઓ લેખિતમાં પૈસા ગુમ થયા હોવાની ફરિયાદ આપીને ઘરે આવ્યા. ઘરે આવીને પૈસા ગુમ થયાની વાત કરતાં જ યશ ગભરાઈ ગયો. પિતાએ તેને બહુ પૂછ્યું પણ કંઈ જવાબ ન આપ્યો. જોકે પાછળથી તેણે કહી દીધું હતું કે ફ્રી ફાયર ગેમ રમતાં-રમતાં તેનાથી પૈસા વપરાઈ ગયા છે. આ વાત હજી તો તેના પપ્પાને માન્યામાં નહોતી આવતી, પરંતુ એટલું કહીને યશ ઉપર પોતાની રૂમમાં જતો રહ્યો. રાતે જ્યારે તેની બહેન ગુનગુન યશને જમવા માટે બોલાવવા ગઈ ત્યારે રૂમમાં તે ગળાફાંસો લગાવેલી હાલતમાં મળ્યો હતો. તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરે મૃત ઘોષિત કર્યો હતો. 

uttar pradesh suicide offbeat news national news news