18 November, 2024 02:53 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
ફંટુશ કુમાર
પટનામાં આવેલી નાલંદા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક રાતમાં અજીબોગરીબ ઘટના ઘટી. ૧૪ નવેમ્બરે રાતે હુરારી ગામના પચીસ વર્ષના ફંટુશ કુમાર નામના યુવાનને પેટમાં ગોળી વાગવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો. જોકે ૧૫ નવેમ્બરે એટલે કે શુક્રવારે મોડી રાતે તે મૃત્યુ પામ્યો. તેનું પોસ્ટમૉર્ટમ થાય એ પહેલાં યુવકનો મૃતદેહ ICUમાં જ આખી રાત પડ્યો રહ્યો. શનિવારે સવારે જ્યારે મૃતદેહ તેના પરિવારને સોંપાયો ત્યારે તેની ડાબી આંખ નહોતી. તેમણે ફરિયાદ કરી કે એક આંખનું શું થયું? પરિવારજનોએ આ વિશે ફરિયાદ લખાવી જેમાં મૃતદેહ પાસે એક સર્જિકલ નાઇફ પડી હોવાનું અને શબ સાથે કંઈક રમત થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે કેટલાક ડૉક્ટરોએ કહ્યું છે કે કદાચ હૉસ્પિટલમાં ભટકતા ઉંદરો એક આંખ ખાઈ ગયા હશે. જોકે કારણ કોઈ પણ હોય, નાલંદા હૉસ્પિટલ જ આ માટે જવાબદાર ઠરે છે. હવે CCTV કૅમેરાનાં ફુટેજમાં કોઈ ફોડ પડે એની રાહ જોવાઈ રહી છે.