સ્ટ્રેસમાં યુવતી ગળી ગઈ ૬ સોય, કાચની બંગડીઓ અને હેરપિન

09 September, 2026 10:00 AM IST  |  Praygraj | Gujarati Mid-day Correspondent

એક દિવસ આ મહિલાની તબિયત ખૂબ લથડી ત્યારે રડતાં-રડતાં પોતાના દિયરને કહ્યું કે તેણે સોય અને કાચ ગળી લીધાં છે

ડૉક્ટરો માટે આંતરડાંમાં સોય શોધવી મોટો પડકાર હતો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી લગ્નવિષયક માનસિક તનાવને લઈને અત્યંત દુર્લભ ઈટિંગ ડિસઑર્ડરનો ચોંકાવનારો અને સ્તબ્ધ કરી દેતો કિસ્સો સામે આવ્યો છે.

અહીંના ખાગા વિસ્તારની ૨૪ વર્ષની વિજમાકુમારી નામની યુવતીએ સ્ટ્રેસમાં આવીને ૬ તીક્ષ્ણ સોય, કાચની બંગડીઓના ટુકડા અને સેફ્ટી-પિન ગળી લીધાં હતાં. પતિ સુરત નોકરી કરતો હોવાથી અને ઘરમાં એક વર્ષના નાના બાળકની જવાબદારી વચ્ચે મહિલા છેલ્લા ૭ મહિનાથી ગંભીર માનસિક તાણ અને ડિપ્રેશનથી પીડાતી હતી. આ સ્ટ્રેસમાં તેને અનાજ સિવાયની અજીબોગરીબ વસ્તુઓ ખાવાની બીમારી થઈ ગઈ હતી.

એક દિવસ આ મહિલાની તબિયત ખૂબ લથડી ત્યારે રડતાં-રડતાં પોતાના દિયરને કહ્યું કે તેણે સોય અને કાચ ગળી લીધાં છે. પરિવારે તાત્કાલિક તેને પ્રયાગરાજની હૉસ્પિટલમાં દાખલ કરી હતી. એક્સ-રે અને CT સ્કૅન કરાવતાં જ ડૉક્ટરોના હોશ ઊડી ગયા હતા. પેટમાં સોય અને કાચના ટુકડા વિખરાયેલા પડેલા જોવા મળ્યા હતા. બે સોય તો આંતરડાં ફાડીને સીધી જમણી કિડની સુધી પહોંચી ગઈ હતી.

ડૉક્ટરો માટે આંતરડાંમાં સોય શોધવી મોટો પડકાર હતો. આખરે C-Arm ટેક્નૉલૉજી અને જટિલ સર્જરી વડે ડૉક્ટરોની ટીમે અઢી કલાકથી વધુ સમય મહેનત કરીને બધી સોય બહાર કાઢી હતી અને ક્ષતિગ્રસ્ત આંતરડાંનું સમારકામ કર્યું હતું.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ વિજમાકુમારી પાઇકા નામની માનસિક અને શારીરિક બીમારીથી પીડાતી હતી. આ પ્રકારના ડિસઑર્ડરમાં વ્યક્તિને ખાવાયોગ્ય ન હોય એવી વસ્તુઓ જેમ કે માટી, ચોક, વાળ, કાચ, સોય કે પ્લાસ્ટિક ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે. અતિશય માનસિક તાણ, ડિપ્રેશન અથવા શરીરમાં આયર્ન-ઝિન્કની ભારે ઊણપને કારણે આવી સમસ્યા થઈ શકે છે.

prayagraj uttar pradesh offbeat news national news news