13 July, 2025 01:16 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ગર્ભવતી મહિલાઓ, રાજેશ મિશ્રા
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ખડ્ડી ખુર્દ નામના ગામની સગર્ભા મહિલાઓએ ગામથી નજીકની હૉસ્પિટલ સુધી જવા માટે વાહન જઈ શકે એવો યોગ્ય રસ્તો બનાવવાની માગણી કરી હતી, પણ તેમને રોડ આપવાને બદલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક સંસદસભ્ય રાજેશ મિશ્રાએ જે જવાબ આપ્યો એનાથી વિવાદ થયો છે. રસ્તો બનાવવાની માગણીના જવાબમાં સંસદસભ્યે કહ્યું હતું કે અમને ડિલિવરીની નિયત તારીખ જણાવો, અમે તમને ઉપાડીને લઈ જઈશું.
એક લાખ ફૉલોઅર્સ ધરાવતી મહિલા યુટ્યુબર લીલા સાહુના વાઇરલ થયેલા એક વિડિયોમાં એક ગર્ભવતી મહિલા કહેતી જોવા મળી હતી કે અમે મધ્ય પ્રદેશમાંથી તમારા ૨૯ સંસદસભ્યોને જિતાડ્યા, શું હવે અમે રસ્તો પણ ન મેળવી શકીએ? જો તમે રસ્તો ન બનાવી શકો તો અમને જણાવો, અમે પોતે જ કોઈ મોટા નેતાને મળીશું. અમે નીતિન ગડકરીને મળીશું, વડા પ્રધાનનો સંપર્ક કરીશું. ગામમાં યોગ્ય રસ્તાની સુવિધાનો અભાવ છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ દરમ્યાન કાદવવાળા, અસમાન રસ્તા પરથી લઈ જવામાં આવે છે.
આ વિડિયો સંદર્ભે રાજેશ મિશ્રાએ વિવાદાસ્પદ જવાબ આપતાં કહ્યું હતું કે મહિલાઓને ડિલિવરીના એક અઠવાડિયા પહેલાં ઉપાડી લેવામાં આવશે (ડિલિવરી કી તારીખ બતાઓ, ઉઠવા લેંગે), હેલિકૉપ્ટર અને વિમાન ઉપલબ્ધ છે. સંસદસભ્યએ સવાલ કર્યો હતો કે શું આજ સુધી ક્યારેય અઘટિત ઘટના બની છે?