30 August, 2025 04:31 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
૩૬ વર્ષના ડ્રાઇવર સતીશ રાવ
રાજસ્થાનના પાલી જિલ્લા પાસે ચાલતી બસમાં ૩૬ વર્ષના ડ્રાઇવર સતીશ રાવનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હતું. જોકે મૃત્યુ પહેલાં તેણે સાવધાની અને સમજદારી બતાવીને બસનું સ્ટિયરિંગ સાથીને સોંપી દીધું હતું. એને કારણે પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાતાં બચી ગયો હતો.
આ ઘટનાનો વિડિયો બસમાં લાગેલા કૅમેરામાં કેદ થઈ ગયો છે. રાતના સમયે બસ ચલાવી રહેલા સતીશને બેચેની લાગતી હોવાથી તેણે થોડા સમય માટે ક્લીનર સાથીને બસ ચલાવવા કહ્યું હતું. જોકે એ પછીની થોડી જ ક્ષણોમાં જે બન્યું એ ખૂબ ડરામણું હતું. સતીશ ડ્રાઇવરની બાજુમાં જ બેઠો હતો, પરંતુ બેઠાં-બેઠાં અચાનક જ તે ઢળી પડ્યો હતો. સાથી ડ્રાઇવરે પરિસ્થિતિ સંભાળીને બીજા લોકોની મદદથી સતીશને પાછળની સીટોમાં સૂવડાવ્યો હતો અને તરત જ નજીકની હૉસ્પિટલ તરફ બસ હંકારી ગયો હતો. જોકે હૉસ્પિટલમાં તપાસ કરતાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. સતીશે જો સમજદારી બતાવીને સ્ટિયરિંગ સાથીને ન સોંપ્યું હોત અને અચાનક જ તે ઢળી પડ્યો હોત તો શું થાત એની કલ્પના પણ કમકમાં લાવી દે એમ છે.