08 July, 2025 01:19 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રીલ બનાવવાના ચક્કરમાં પિતાએ જ બેસાડી દીકરીને ડૅમ પરના પાતળા સળિયા પર
રાજસ્થાનના ભરતપુર પાસેના બારૈઠા ડૅમ પર એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર રીલ મૂકવા માટે પોતાની જ દીકરીનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેણે દીકરીને પાણીથી છલોછલ ડૅમના કિનારે બનેલી લોઢાની ઍન્ગલ પર દીકરીને ઉતારીને બેસાડી હતી. આ ઘટના ચોથી જુલાઈની છે.
ઉમાશંકર નામનો યુવક તેની પત્ની અને દીકરીને ડૅમ દેખાડવા લાવ્યો હતો અને એ વખતે દીકરીને પરાણે તેની ઇચ્છા ન હોવા છતાં પાતળા સળિયા પર ઉતારી હતી. સોશ્યલ મીડિયામાં આ કામ બદલ તેની વાહવાહી થવાને બદલે પસ્તાળ પડતાં તેણે વિડિયો હટાવી દીધો હતો. જોકે પોલીસે આ વાતને સંજ્ઞાનમાં લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે.