રાંચીની લેખિકાએ ૧૨૦ મિનિટમાં ૧૨૦ પાનાં લખીને રેકૉર્ડ બનાવ્યો

10 July, 2026 11:00 AM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

હવે આ રેકૉર્ડને લંડન બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ તેમ જ એશિયન બુક ઑફ રેકૉર્ડ્‌સ માટે પણ મોકલવામાં આવ્યો છે

ડૉ. મેઘા રાનીએ ૧૨૦ મિનિટમાં ૧૨૦ પાનાં લખ્યાં હતાં

ઝારખંડના રાંચી શહેરની હિન્દી લેખિકા ડૉ. મેઘા રાનીએ માત્ર ૧૨૦ મિનિટમાં ૧૨૦ મૌલિક હસ્તલિખિત પાનાં લખીને વિશ્વ-રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે ઝારખંડના ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત લખાણ પાંડુલિપિમાં લખ્યું હતું. આ લખાણ ‘અપન ઝારખંડ’ નામના પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવશે. આ રેકૉર્ડ બનાવવાની તૈયારી આ વર્ષના જાન્યુઆરી મહિનામાં આરંભાઈ હતી. એ પછી મે મહિનામાં દુનિયાભરના જજોની હાજરીમાં ઑનલાઇન લાઇવ વર્લ્ડ રેકૉર્ડ અટેમ્પ્ટનું આયોજન થયું હતું. એ કાર્યક્રમમાં ડૉ. મેઘા રાનીએ ૧૨૦ મિનિટમાં ૧૨૦ પાનાં લખ્યાં હતાં. આ લખાણમાં ઝારખંડનો ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું વર્ણન કર્યું છે. તેમનું એ લખાણ મૌલિક, સ્પષ્ટ અને સચોટ છે કે કેમ એની તપાસ કરવામાં આવી હતી. તમામ સાક્ષીઓએ કરેલી તપાસ બાદ તેમને ઇન્ફ્લુઅન્સર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડની ઉપાધિ મળી હતી. હવે આ રેકૉર્ડને લંડન બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ તેમ જ એશિયન બુક ઑફ રેકૉર્ડ્‌સ માટે પણ મોકલવામાં આવ્યો છે.

ડૉ. મેઘા છેલ્લાં સાત વર્ષથી નારીલક્ષી સામાજિકા વિષયો પર લેખન કરે છે. તેમણે લખેલા ‘શ્રીકૃષ્ણ લીલા’ પુસ્તકને  પહેલાં જ ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્‌સમાં સ્થાન મળી ચૂક્યું છે. 

guinness book of world records jharkhand ranchi offbeat news national news news