22 November, 2025 03:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પહેલી કિસની શરૂઆત કોણે કરી હશે? વૈજ્ઞાનિકોએ એનો જવાબ ખોળી કાઢ્યો
પતિ-પત્નીના અંતરંગ સંબંધમાં કિસ કરવાનો દોર ક્યારથી શરૂ થયો હશે? એ સવાલ કેટલાક વૈજ્ઞાનિકોને થયો અને એના પરથી વિશાળ પાયે એક અભ્યાસ પણ થયો. બેસિકલી ઇન્ટિમસીમાં કિસિંગની શરૂઆત પૃથ્વીના કયા જીવમાં પહેલી વાર થઈ હશે એ સમજવા માટે બ્રિટનની યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ અને યુનિવર્સિટી કૉલેજ લંડનના નિષ્ણાતોએ માણસો અને માણસોના પૂર્વજો સુધીની વંશપરંપરાઓને તપાસી હતી. તેમણે તારવ્યું હતું કે કિસિંગ માણસોમાં શરૂ થયું હતું એવું નથી. માણસનો જન્મ થયો એ પહેલાં એટલે કે બે કરોડ વર્ષ પહેલાં વનમાનવ અવસ્થાથી કિસિંગની શરૂઆત થઈ હતી એવો દાવો સંશોધકોનો છે. અલબત્ત, આ તારણ માટે વૈજ્ઞાનિકો કમ્પ્યુટર મૉડલિંગ દ્વારા ઇતિહાસમાં પાછળ ગયા હતા. ઇતિહાસમાં પાછા જવાની આ પ્રક્રિયામાં ખુલાસો થયો હતો કે પૃથ્વી પર પહેલી કિસ લગભગ ૨.૧ કરોડથી ૧.૬ કરોડ વર્ષ પહેલાં થઈ હશે. આદમ યુગમાં કિસનો ઉપયોગ સાથીના સ્વાસ્થ્યની તપાસ કરવાનો અને પરસ્પરને હૂંફ આપીને સંબંધોને મજબૂત કરવાનો એક રસ્તો હતો. જોકે માણસનો વિકાસ થવાની સાથે કિસ રોમૅન્સનું માધ્યમ બની ગઈ હતી.