12 May, 2025 06:00 PM IST | Lahore | Gujarati Mid-day Online Correspondent
શાહિદ આફ્રિદી રેલી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવનો શનિવારે અંત આવ્યો. બંને દેશોના DGMO વચ્ચેની વાતચીત બાદ, યુદ્ધને તાત્કાલિક બંધ કરવા માટે સર્વસંમતિ સધાઈ. જો કે ભારતીય ક્રિકેટરોએ આ મુદ્દે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ એક રેલીનું આયોજન કર્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ લશ્કરી તણાવ ઓછો થયો છે. બંને દેશો વચ્ચે સર્વસંમતિ બાદ 7 મેની રાતથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રૉન હુમલાઓને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામ વિસ્તારની બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુદ્દો વધુ વકર્યો. આ ક્રૂર હત્યા બાદ સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાયો હતો, દેશના તમામ ભારતીય ક્રિકેટરોએ પણ આ હુમલાને કાયરતા ગણાવી હતી અને પાકિસ્તાનની ભારે ટીકા કરી હતી. જો કે, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી, પહેલાની જેમ, આતંકવાદને સમર્થન આપતા પોતાના દેશનો બચાવ કરી રહ્યો હતો. તેણે આ હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.
શાહિદ આફ્રિદીની બેશરમી એટલી હદે પહોંચી ગઈ કે તેણે યુદ્ધવિરામને પાકિસ્તાનની જીત જાહેર કરી. ક્રિકેટર શાહિદ આફ્રિદીએ રવિવારે કરાચીના સી વ્યૂ ખાતે પાકિસ્તાની સેનાને ટેકો આપવા માટે એક જાહેર રેલીનું આયોજન કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહિદ કારના કાફલા સાથે જોઈ શકાય છે. આ દરમિયાન, તે રસ્તામાં લોકોનું અભિવાદન પણ કરી રહ્યા છે. રેલી પછી, શાહિદે જનતાને પણ સંબોધિત કરી.
ત્યારબાદ શાહિદે રેલી પછી ઝેર ઓક્યું. તેણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ ખૂબ સંયમ રાખ્યો છે. આફ્રિદી કદાચ જમીની વાસ્તવિકતાથી અજાણ છે. ભારતીય સેના અંગે આફ્રિદીએ કહ્યું કે ભારત પાકિસ્તાનની ટેકનિકલ ક્ષમતાઓ અને વ્યૂહાત્મક વિચારસરણીથી અજાણ હતું. તેણે દાવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને સંયમ દાખવ્યો અને તેણે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યો નહીં.
તમને જણાવી દઈએ કે પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. શનિવારે યુદ્ધવિરામ બાદ રવિવારે સાંજે ભારતીય સેનાની ત્રણેય શાખાઓ (સેના, વાયુસેના અને નૌકાદળ) એ એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આમાં તેમણે છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાન પર કરવામાં આવેલા હુમલાઓ વિશે માહિતી આપી હતી. આમાં જણાવવમમાં આવ્યું હતું કે ભારતે વ્યૂહાત્મક રીતે પાકિસ્તાની સેનાના મહત્ત્વપૂર્ણ સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલામાં, ભારતીય સેનાએ પાકિસ્તાનના હવાઈ મથકો પર હુમલો કર્યો, જેમાં રહીમ યાર ખાન, સરગોધા ઍરબેઝ અને નૂર ખાન ઍરબેઝ મુખ્ય છે. શનિવારે બપોરે 3 વાગ્યે, પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતીય ડીજીએમઓ સાથે વાત કરી અને યુદ્ધવિરામની અપીલ કરી.
૮ મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ૧૦.૧ ઓવર પછી રોકવી પડી હતી અને પછી મોડી રાત્રે તેને રદ કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ને પણ અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી. એક અઠવાડિયા માટે રોકાયેલી આ લીગ ફરી શરૂ થવાની શક્યતા છે. હાલમાં, આ માટે કોઈ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર, તે ૨૫ મેના નિર્ધારિત સમય કરતાં ૫ દિવસ વધુ એટલે કે ૩૦ મે સુધી ચાલી શકે છે.