19 April, 2025 02:26 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સૌરભ-મુસ્કાન હત્યાકાંડ જેવો વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી હતી. કેસ ફતેહગંજ પશ્ચિમી વિસ્તારનો છે, જ્યાં રેખા નામની મહિલાએ પોતાના પ્રેમી પિન્ટુની સાથે મળીને પતિ કેહર સિંહને મોતને ઘાટ ઉતાર્યો હતો. પહેલાં રેખાએ પતિને ચામાં ઉંદર મારવાની દવા ભેળવીને બેહોશ કર્યો હતો અને પછી પિન્ટુ સાથે મળી ગળું દબાવીને હત્યા કરી હતી. આ ઘટના વિશે કોઈને ખબર ન પડે એ માટે પત્ની ખૂબ રડી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે બન્નેએ મૃતદેહને ગળે ફાંસો લગાવીને લટકાવી દીધો હતો, પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ મરનારની પત્ની અને તેનો પ્રેમી જ છે. હાલ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.