29 October, 2025 11:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
૨૯ વર્ષના ભારતીય યુવકને UAEમાં લાગી ૨૪૦ કરોડ રૂપિયાની લૉટરી
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં કામ કરતા મૂળ દક્ષિણ ભારતના અનિલકુમાર બોલાને તાજેતરમાં અત્યાર સુધીની સૌથી મોટી લૉટરીનો જૅકપૉટ લાગ્યો છે. ગલ્ફ ન્યુઝના રિપોર્ટ મુજબ ૧૮ ઑક્ટોબરે UAEમાં ૨૩મી લકી ડે ઇવેન્ટમાં આ ડ્રૉ થયો હતો જેમાં ૨૯ વર્ષનો અનિલકુમાર બોલા જૅકપૉટ જીત્યો હતો. આવો જૅકપૉટ જીતવાની સંભાવના ૮૮ લાખ લોકોમાં એકાદ વાર જ બને છે. અનિલકુમાર દોઢ વર્ષથી UAEમાં કામ કરે છે. તેણે લૉટરીની ટિકિટ ખરીદવા માટે મમ્મીના જન્મદિવસના મહિનાને યાદ રાખીને ૧૧ના સેટને પસંદ કરેલો અને એ પછીની ૧૧ ટિકિટો એમ જ ઈઝી પિક કરેલી. તેણે એક જ ટ્રાન્ઝૅક્શનમાં બારેબાર ટિકિટ ખરીદેલી અને તેને જૅકપૉટ લાગી ગયો ૧૦૦ મિલ્યન દિરહામ એટલે કે લગભગ ૨૪૦ કરોડ રૂપિયાનો. અનિલકુમારનું કહેવું છે કે પહેલાં તો મારે આ જીતની ખુશી માટે લક્ઝુરિયસ હોટેલમાં પાર્ટી કરવી છે, એક સુપરકાર ખરીદવી છે અને પછી પૈસાને કઈ રીતે ઇન્વેસ્ટ કરું એ વિચારવું છે. મારે પૈસા સમજી-વિચારીને ખર્ચવા છે.’