22 November, 2025 04:16 PM IST | South korea | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયામાં કૉલેજ સ્કૉલેસ્ટિક એબિલિટી ટેસ્ટ (CSAT) નામની દુનિયાની સૌથી અઘરી ગણાતી પરીક્ષા દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આપે છે, પરંતુ એમાંથી ખૂબ જ ઓછા લોકો પાસ થાય છે. આ વર્ષે પણ લગભગ ૫,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. સતત ૧૨ કલાકની મૅરથૉન એક્ઝામ એમાં આપવાની હોય છે જેમાં ભલભલા સ્ટુડન્ટ્સ ઢીલા પડી જાય છે. અનેક લોકો આ પરીક્ષા આપ્યા પછી હતાશ થઈ જાય છે. આ વર્ષે ૧૪ નવેમ્બરે સાઉથ કોરિયામાં આ પરીક્ષા લેવાઈ હતી. એ પછી અનેક સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં હોવાના સમાચાર બહાર આવ્યા હતા. જોકે સ્થાનિક વર્તમાનપત્રમાં એક સમાચાર છપાયા છે જેમાં એક છોકરીએ પોતાના પપ્પાનો મેસેજ શૅર કર્યો છે. વાત એમ હતી કે આ છોકરીની એક્ઝામ પણ ખરાબ ગઈ હતી અને એ પછી તે ખૂબ હતાશ થઈ ગઈ હતી. ઘરથી દૂર રહેતી આ છોકરીએ પેરન્ટ્સ સાથે વાત કરી, પણ તેનું મન નહોતું લાગતું. ત્યારે તેના પપ્પાએ સોશ્યલ મીડિયા થકી એક ઇન્સ્ટન્ટ મેસેજ મોકલ્યો અને સાથે પાંચ લાખ કોરિયન વૉન એટલે કે લગભગ ૩ લાખ રૂપિયા મોકલ્યા. મેસેજમાં લખ્યું હતું, ‘મારી સૌથી લાડકી નાની દીકરી, ખરાબ રિઝલ્ટ આવે તો નિરાશ ન થઈશ. હું તારી અને તારી બહેન માટે ખૂબ મહેનત કરું છું અને મારી કાબેલિયત હજીયે એટલી જ છે. મારી બન્ને રાજકુમારીઓને આરામથી રહેવા માટે પૈસા કમાઈ શકું એમ છું. પપ્પા પર ભરોસો કરજો અને આગળ વધો. ફરીથી આ પરીક્ષા આપવા ઇચ્છતી હો તો જરૂર એની તૈયારી કર, પણ ન આપવી હોય તો પણ ચિંતા ન કર. કૉલેજ છોડ અને જે મન કહે એ કર.’ સોશ્યલ મીડિયા પર આ પ્રસંગની લોકો ખૂબ સરાહના કરી રહ્યા છે. સંતાનો પર પરીક્ષા અને પર્ફોર્મન્સનું પ્રેશર બનાવવાને બદલે તેમનું મનોબળ વધારતા પિતા પ્રશંસનીય છે.