13 September, 2025 04:44 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પત્ની અને તેનો પ્રેમી.
તામિલનાડુના કોલંજી નામના ૪૮ વર્ષના ભાઈને તેમની ૩૭ વર્ષની પત્ની લક્ષ્મી પર લાંબા સમયથી શક હતો કે તેનો કોઈની સાથે પ્રેમસંબંધ છે. જોકે તે કેમેય પકડી શકતો નહોતો. મંગળવારે રાતે તેણે પત્નીને રંગેહાથ પકડવા જાળ બિછાવી અને કહ્યું કે તે બીજા શહેરમાં કામ માટે જાય છે. જોકે તે ઘરેથી નીકળીને બહારગામ જવાને બદલે મોડી રાતે પાછો ઘરે અચાનક આવી પહોંચ્યો. એ વખતે પત્ની લક્ષ્મી અને તેનો પ્રેમી થંગારાસુ છત પર સાથે હતાં. બસ, એ પછી ગુસ્સે ભરાયેલા કોલંજીએ પહેલાં તો થંગારાસુને માર્યો અને પછી તીક્ષ્ણ હથિયારથી બન્નેનું માથું ધડથી અલગ કરી દીધું. આટલું ઓછું હોય એમ તેણે બન્નેનાં માથાંને દોરીથી બાંધીને પોતાની બાઇક પર બાંધ્યાં અને બાઇક લઈને વેલ્લોરની સેન્ટ્રલ જેલમાં જઈને સરેન્ડર કરી દીધું. તેણે પોતાના ગુનાને પુરાવા સાથે પોલીસ સામે રજૂ કર્યો. એ પછી પોલીસે તેના ઘરે જઈને બન્નેનાં ધડ મેળવ્યાં હતાં. આ દંપતીની ત્રણ દીકરીઓ ખૂબ નાની છે અને હવે મા-બાપ બન્નેનું છત્ર ગુમાવી ચૂકી છે.