26 November, 2025 01:49 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
તામિલનાડુમાં એક વ્યક્તિએ પોતાની મારુતિ ઇગ્નિસ કાર પર એક વિચિત્ર સ્ટિકર લગાવ્યું હતું. આ સ્ટિકરવાળી ગાડીએ સોશ્યલ મીડિયામાં હલચલ મચાવી દીધી છે. જો તમારી પાસે બે કાર હોય તો હંમેશાં કંઈ તમે બેસ્ટ કાર લઈને જ બહાર જાઓ એવું જરૂરી નથી. એવામાં તમને મારુતિની ગાડીમાં જોઈને કોઈ તમને ઓછા ન આંકી લે એ માટે તમારી પાસે બીજી કાર કઈ છે એનો પણ લોકોને અંદાજ આવી જાય એ માટે તામિલનાડુના ભાઈએ આ જુગાડ કાઢ્યો છે. તેમણે પોતાની મારુતિ ઇગ્નિસ કાર પર લખ્યું છે, ‘મારી બીજી ગાડી BMW છે.’ ઘરના પાર્કિંગમાં જ્યાં મારુતિ પડી છે એની પાછળ અંદર ખરેખર BMW પડી હોય એવું પણ દેખાય છે. એટલે આ ભાઈ ખાલી મજાક કરી રહ્યા છે કે પછી શો-ઑફ કરી રહ્યા છે એવું નથી. પોતાની પાસે બેસ્ટ કઈ કાર છે એનો દેખાડો કરવા માટે આ સ્ટિકર નહોતું એવી દલીલ કારમાલિકે કરી હતી. જોકે એ વાત સાચી હોય તો તમારે BMW કાર પણ પણ સ્ટિકર લગાવવું જોઈએ કે મારી બીજી કાર ઇગ્નિસ છે!