દાન આપવા જતાં ભૂલથી આઇફોન દાનપેટીમાં પડી ગયો!

22 December, 2024 10:59 AM IST  |  Tiruppur | Gujarati Mid-day Correspondent

મંદિરના પ્રશાસને કહ્યું, એ તો હવે ભગવાનની સંપત્તિ થઈ ગઈ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હવે ભગવાનનાં દર્શન કરવા જાઓ અને દાનપેટીમાં ભેટ ચડાવતા હો ત્યારે ખિસ્સામાં રાખેલો મોબાઇલ સંભાળજો, કેમ કે એ પાછો ન મળે એવું સંભવ છે. તામિલનાડુના થિરુપુરુરના શ્રી કંડાસ્વામી મંદિરમાં દિનેશ નામના એક ભક્તનો આઇફોન ભૂલથી દાનપેટીમાં પડી ગયો. તે દાનપેટીમાં કૅશ નાખવા જતો હતો ત્યારે તેના શર્ટના આગળના ખિસ્સામાં રાખેલો મોબાઇલ સરકીને અંદર પડી ગયો. દિનેશે તરત જ મ‌ંદિરના પ્રશાસકોને જાણ કરી, પણ તેમણે તો ફોન પાછો આપવાની ધરાર ના પાડી દેતાં કહ્યું, ‘આવું ભગવાન માટે અને ભગવાનની મરજીથી જ થયું છે. હૂંડીમાં પડેલી ચીજ હવે ભગવાનની થઈ ગઈ કહેવાય.’ પરંપરા અનુસાર હૂંડી મહિનામાં માત્ર બે જ વાર ખોલવામાં આવે છે. મંદિરના પ્રશાસને શુક્રવારે પેટી ખોલી ત્યારે દિનેશને જાણ કરી હતી અને એ ફોનમાંથી તેણે જે ડેટા જોઈતો હોય એ લઈ શકે એવી ઑફર આપી હતી. જોકે દિનેશને માત્ર ડેટા નથી જોઈતો, તેને તો પોતાનો ફોન જ પાછો જોઈએ છે. આ જવાબ સાંભળીને દિનેશે હિન્દુ રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ એન્ડોવમેન્ટ્સના અધિકારીઓ પાસે જઈને રજૂઆત કરી હતી. જોકે ત્યાંથી પણ એવું જ કહેવામાં આવ્યું કે ‘જે કંઈ દાનપેટીમાં  જમા થાય છે એ ચાહે મરજીથી ન દેવાયું હોય તો પણ એ ભગવાનના ખાતામાં જતું રહે છે.’

આવું કંઈ પહેલી વાર નથી બન્યું. ૨૦૨૩માં કેરલાના એક મંદિરમાં એસ. સંગીતા નામની મહિલા તુલસીની માળા ચડાવવા જતી હતી ત્યારે તેના ગળામાંથી સોનાની ચેઇન અંદર સરકી ગઈ હતી. મંદિરમાં લગાવેલા CCTV કૅમેરાના ફુટેજમાં આ વાતની પુષ્ટિ થયા પછી મ‌ંદિરના અધ્યક્ષે પોતાના અંગત ખર્ચે એ જ કિંમતની સોનાની નવી ચેઇન સંગીતાને આપી હતી. 

tamil nadu viral videos offbeat news national news news