૧૩૨ ફુટનો મોબાઇલ ટાવર જ ઉઠાવી ગયા ચોર

13 June, 2026 02:23 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

ડુમરાવ ગામના રહેણાક વિસ્તારમાં આ ટાવર હતો અને જ્યાં ટાવર હતો એનાથી પોલીસચોકી પણ જસ્ટ ૮૦૦ મીટર જ દૂર હતી

આ ટાવર ઘણા સમયથી બંધ પડેલો હતો

બિહારના બક્સર જિલ્લામાં ચોરીની અજીબ ઘટના બની છે. અહીં ચોરો દુકાન કે ઘરમાંથી કીમતી ચીજો કે રોકડ નાણાં નહીં પરંતુ ગામમાં લાગેલો ૧૩૨ ફુટ ઊંચો મોબાઇલ ટાવર જ ગાયબ કરી ગયા હતા. ચોરો આખા ટાવરની સાથે-સાથે એમાં જોડાયેલાં અન્ય ડિવાઇસિસ અને જનરેટર સેટ પણ ઉઠાવી ગયા હતા. ડુમરાવ ગામના રહેણાક વિસ્તારમાં આ ટાવર હતો અને જ્યાં ટાવર હતો એનાથી પોલીસચોકી પણ જસ્ટ ૮૦૦ મીટર જ દૂર હતી. આખો ટાવર ચોરવાનું કામ કોઈ એકલદોકલ વ્યક્તિનું કે પળવારમાં પાર પડી શકે એવું મિશન તો હતું નહીં. એ માટે ચોરોએ કેટલાય દિવસો સુધી ટાવરને ખોલવાનું કામ કરવું પડ્યું હતું. તેઓ આ બધું કામ ધોળા દિવસે લોકોની અવરજવર વચ્ચે કરતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી કે આ ચોરો છે. આ ટાવર ઘણા સમયથી બંધ પડેલો હતો અને તાજેતરમાં જ કંપનીએ એની મરમ્મત કરાવી હતી. જેવો એ ટાવર ચાલુ થયો કે ચોરોએ રિપેરિંગ કે અન્ય નિરીક્ષણના નામે ટાવર ખોલી નાખ્યો અને રાતોરાત ગાયબ પણ કરી દીધો.

bihar offbeat news national news news