27 May, 2026 12:29 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રસમો પૂરી થતાં જ પોલીસ તેને પાછી જેલ લઈ ગઈ હતી
૧૦ વર્ષ પહેલાં દિલ્હીમાં ૬ લોકોનું મર્ડર કરનારો વાજિદ નામનો આરોપી હાલમાં તિહાર જેલમાં બંધ છે. તેણે તાજેતરમાં લગ્ન કરવા માટે રજા માગી હતી. જોકે લગ્ન માટે તેને માત્ર ૧૦ કલાકના પરોલ મળ્યા હતા. એમાં તે દિલ્હી પોલીસની કસ્ટડીમાં જ તેના વતન સમોલી ગામ પહોંચ્યો હતો. અહીં તેણે યાસ્મિન નામની મહિલા સાથે પૂરી રસમ સાથે નિકાહ કર્યા હતા. રસમો પૂરી થતાં જ પોલીસ તેને પાછી જેલ લઈ ગઈ હતી. વાજિદ અને યાસ્મિનનો પરિવાર અન્ય સગપણ પણ ધરાવે છે. નિકાહની રસમો અને કાગળ પરની કાર્યવાહી પૂરી થઈ ત્યાં સુધી દિલ્હીની પોલીસ ત્યાં જ હાજર રહી હતી. વાજિદે પૈસાની લાલચમાં આવીને એક વેપારીના હસતારમતા પરિવારના ૬ જણને મોતને ઘાટ ઉતાર્યા હતા. પહેલાં તેણે વેપારી અને બે દીકરાને મોતને ઘાટ ઉતાર્યા હતા. એ પછી બે દીકરીઓ અને વેપારીની પત્નીને સુરક્ષિત બીજે છોડવાના બદલે ઘરમાંથી કાઢ્યાં હતાં. બીજા ગામમાં પોતાના મિત્રને ત્યાં તેમને રોક્યાં અને રાતે તેમની હત્યા કરી નાખી હતી અને આ ઘટનાના પુરાવા છુપાવવા માટે ઘરની અંદર જ ખાડો ખોદીને શબ દાટી દીધાં હતાં અને ઉપરથી ભોંયતળિયાને પાકું કરી નાખ્યું હતું. જોકે વાજિદને આ કામમાં સાથ આપનારા આરોપીઓ પકડાઈ જતાં તેમણે ભાંડો ફોડી નાખ્યો હતો. એ ગુનાસર વાજિદ ઉંમરકેદની સજા ભોગવી રહ્યો છે. તેણે પોતાની જૂની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ખાસ વધુ દિવસોના પરોલ માગ્યા હતા, પણ તેને માત્ર લગ્ન કરવા પૂરતી જ જેલની બહાર નીકળવાની પરવાનગી અપાઈ હતી.