બૉસના ૧.૫૦ કરોડ રૂપિયા ચોરીને ડ્રાઇવરે મંદિરમાં દાન કરી દીધા

17 May, 2025 03:05 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

એક લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પરિવારની જરૂરિયાતો માટે ખર્ચી હતી અને બાકીના મોટાભાગના રૂપિયા મંદિરની દાનપેટીમાં નાખી દીધા હતા. બાકી કેટલા રૂપિયા બચ્યા છે

પ્રતીકાત્મક તસવીર

એક વાર મંદિરની દાનપેટીમાં તમે જે કંઈ મૂકો એ ભગવાનનું થઈ જાય. આ જ ચીજનો ફાયદો લઈને બૅન્ગલોરમાં એક ‘વિશ્વાસુ’ ડ્રાઇવરે પોતાના બૉસને ત્યાં ચોરી કરી નાખી. વાત એમ છે કે રાજેશ નામનો ડ્રાઇવર એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ત્યાં લગભગ દસ વર્ષથી કામ કરે છે. ૪૬ વર્ષનો રાજેશ હંમેશાં ખૂબ પ્રામાણિકતાથી કામ કરતો હતો. એક દિવસ સવારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે તેના ‘વિશ્વાસુ’ ડ્રાઇવર રાજેશને ૧.૫૦ કરોડ રૂપિયાની બૅગ આપીને કારમાં મૂકવા કહ્યું. પોતે નીચે આવીને પહેલાં બૅન્કમાં આ રકમ જમા કરાવવા જવાની છે એવી પણ સ્પષ્ટતા કરી. જોકે ડ્રાઇવરની પાછળ બે-પાંચ મિનિટમાં જ નીકળેલા બૉસે અપાર્ટમેન્ટની નીચે જઈને જોયું તો ન રાજેશ મળ્યો, ન કાર. તેમને થયું કે કદાચ તે ઑફિસે પહોંચી ગયો હશે. બીજી કાર લઈને બૉસ ઑફિસે પહોંચ્યા તો બહાર પોતાની કાર પાર્ક થયેલી જોઈને હાશકારો થયો. જોકે અહીં માત્ર કાર જ હતી, રાજેશનો કોઈ અતોપતો નહોતો. બૉસે તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે ‘હું દવા ખરીદી રહ્યો છું, દસ જ મિનિટમાં આવું છું.’ જોકે ક્યાંય સુધી રાજેશ પાછો ન આવ્યો અને તેનો ફોન પણ બંધ થઈ ગયો એટલે પોલીસ કમ્પ્લેઇન્ટ નોંધાવી. ગાયબ થઈ ગયેલા રાજેશને પોલીસે પકડી પાડ્યો, પણ પૈસા રિકવર ન થઈ શક્યા. તેણે એક લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પરિવારની જરૂરિયાતો માટે ખર્ચી હતી અને બાકીના મોટાભાગના રૂપિયા મંદિરની દાનપેટીમાં નાખી દીધા હતા. બાકી કેટલા રૂપિયા બચ્યા છે અને ક્યાં છે એની માહિતી કઢાવવા માટે પોલીસ મથી રહી છે.

પુરાના ટેલિફોન

આજે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ઇન્ફર્મેશન સોસાયટી ડે છે એ નિમિત્તે દીવાસળીમાંથી અનોખી આર્ટ તૈયાર કરવા માટે જાણીતા અગરતલાના બિજૉય દેબનાથ નામના આર્ટિસ્ટે જૂના જમાનાની યાદ અપાવે એવો ટેલિફોન દીવાસળીમાંથી બનાવ્યો છે.

bengaluru crime news national news news social media offbeat news