27 October, 2024 11:43 AM IST | Meerut | Gujarati Mid-day Correspondent
મેરઠ પોલીસના બે કૉન્સ્ટેબલ
ગુનેગારોને પોલીસ મદદ કરતી હોય છે એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે, પણ મેરઠ પોલીસના બે કૉન્સ્ટેબલ તો પોતે જ લૂંટારુ ગૅન્ગના મુખ્ય સૂત્રધાર હોવાની ચોંકાવનારી વાત જાણવા મળી છે. બુલંદશહરના કપડાના વેપારી ઝખિયા, તેની પત્ની નાઝરીન અને સાથે કામ કરનારા બે જણ રાજસ્થાનના ચુરુથી ઝુંઝુનુ જતી બસમાં બેઠાં હતાં. ખાસોલી વિસ્તાર નજીક બસ રોકાવીને ઉત્તર પ્રદેશના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (SOG)ના સ્ટાફ હોવાનું કહીને ઝખિયા અને નાઝરીનનું અપહરણ કરી ગયા. જાણ થઈ એટલે પોલીસે નાકાબંધી કરી. ગાંગિયાસર ત્રણ રસ્તે લાલ રંગની કાર પર શંકા જતાં પોલીસે અટકાવી, પણ બૅરિકેડ તોડીને કાર આગળ નીકળી ગઈ. એ પછી પોલીસે કારનો પીછો કરીને છેવટે તેમને પકડી પાડ્યાં. પાંચ લાખ રૂપિયા વસૂલવા માટે દંપતીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું ટોળકીએ કહ્યું. ત્યાં સુધી તો રાજસ્થાનની પોલીસ માટે રૂટીન કાર્યવાહી હતી, પણ ગૅન્ગના બે સરદારને પકડ્યા ત્યારે ખબર પડી કે એ બન્ને પોલીસ-કર્મચારી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસલાઇનના કૉન્સ્ટેબલ રિન્કુ સિંહ ગુર્જર અને ભાવનપુરના હેડ કૉન્સ્ટેબલ અમિત ખટાના આ ટોળકીના મુખ્ય સૂત્રધાર હતા એવી ખબર પડતાં પોલીસ ચક્કર ખાઈ ગઈ. બન્નેએ લૂંટારુ ગૅન્ગ બનાવી હતી અને સાગરીતોને પોલીસની તાલીમ આપી હતી. પોલીસની કામગીરીની ઝીણામાં ઝીણી માહિતી આપીને પોલીસથી બચવાના રસ્તા પણ શીખવાડ્યા હતા. ગાઝિયાબાદની મીનુ રાની નામની મેરઠની હૉસ્પિટલની રિસેપ્શનિસ્ટ, કાર ચલાવવામાં હોશિયાર દિલ્હીનો અનુજ, હાપુડના મજૂર મુનકાદ જેવાને ગૅન્ગમાં સામેલ કર્યા હતા. પોલીસે ૬ જણની ધરપકડ કરી છે અને બન્ને કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે.