એક જ મકાન બે જિલ્લામાં, પરિવારના સભ્યો પણ અલગ-અલગ જિલ્લામાં

17 September, 2025 12:49 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ગામની સરહદ મળતી હોય એ સમજાય, પણ એક જ ઘરનો એક છેડો એક જિલ્લામાં હોય અને બીજો છેડો બીજા જિલ્લામાં હોય એ કેવું?

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

રાજસ્થાનમાં એક ઘર આવેલું છે જે બે અલગ-અલગ જિલ્લામાં પડે છે. ગામની સરહદ મળતી હોય એ સમજાય, પણ એક જ ઘરનો એક છેડો એક જિલ્લામાં હોય અને બીજો છેડો બીજા જિલ્લામાં હોય એ કેવું? રાજસ્થાનમાં એક ઘરની રૂમ ડીડવાણા જિલ્લામાં પડે છે, જ્યારે એનું આંગણું જયપુર જિલ્લામાં પડે છે. આ ઘરની રૂમ અને પાછળનો ભાગ ડીડવાણા જિલ્લાના ત્યોદ ગામમાં આવે છે અને આ જ ઘરનું આંગણું જયપુર જિલ્લાની સીમા પાસે બન્યું છે. જ્યાં જયપુર ‌જિલ્લાની સીમા પૂરી થાય છે ત્યાં આ ઘર બન્યું હોવાથી એનો અડધો ભાગ બીજા જિલ્લામાં છે. ૧૫ વર્ષ પહેલાં મુનારામ ચોપડા નામની એક વ્યક્તિએ ખેતર ખરીદીને એના પર ઘર બનાવ્યું હતું. જ્યારે આ મકાન બનીને તૈયાર થઈ ગયું એ પછી ખબર પડી કે રાજસ્થાનના નકશા મુજબ આંગણું જયપુર જિલ્લામાં અને રૂમો તેમ જ પાછલો વરંડો ડીડવાણા જિલ્લામાં છે.

આ ઘરમાં મુનારામ, સુવારામ અને કાનારામ નામના ૩ ભાઈઓ પરિવાર સાથે રહે છે. મુનારામનું ઓળખપત્ર ડીડવાણા જિલ્લાનું છે અને બાકીના બે ભાઈઓના પરિવારનું ઓળખપત્ર જયપુર જિલ્લાનું છે.

rajasthan offbeat news national news news