31 March, 2025 05:14 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
૩૨ વર્ષનો રાજાબાબુ નામનો યુવક
હેલ્થ-એક્સપર્ટ્સ ગાઈવગાડીને કહે છે કે ઇન્ટરનેટ પર ફરતા નુસખાઓ કે માહિતી જોઈને જાતે દવાઓ ન લેવી જોઈએ. જોકે ઉત્તર પ્રદેશનો એક યુવક તો એનાથીયે ચાર ચાસણી ચડે એવો નીકળ્યો. આ ભાઈએ યુટ્યુબ જોઈને નક્કી કરી લીધું કે તેને સર્જરીની જરૂર છે. ડૉક્ટરોએ ના પાડી તો ફરી યુટ્યુબ પરથી જ સર્જરી કરતાં પણ શીખી લીધું અને પેટ કાપી નાખ્યું. જોકે એનાથી પીડા ઘટવાને બદલે વધી જતાં પરિવારજનોએ તેને હૉસ્પિટલભેગો કરવો પડ્યો.
વૃંદાવન પાસેના સુનરખ ગામમાં રહેતો ૩૨ વર્ષનો રાજાબાબુ નામનો યુવક વારંવાર થતા પેટના દુખાવાથી કંટાળી ગયો હતો. દવાઓ કરીને કંટાળેલા રાજાબાબુએ યુટ્યુબ ફંફોસ્યું તો તેને પેઇન ઘટાડવા માટેની યુનિક ટેક્નિક જાણવા મળી. એ માટે તેને સર્જરી કરવી પડે એમ હતી એટલે તે સર્જિકલ બ્લેડ, ટાંકા લેવાનો કૉર્ડ, નીડલ્સ, ઍનેસ્થેસિયા માટેની દવા એમ સર્જરી માટે જરૂરી બધું જ મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને ઘરે લઈ આવ્યો. જે ભાગ પર કાપો મૂકવાનો હતો ત્યાં ઍનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારીને તેણે જાતે જ સૂતાં-સૂતાં સર્જરી પણ કરી. પેટ ખોલ્યા પછી અંદર શું કરવું એ ન સમજાતાં તેણે જાતે જ ટાંકા પણ લઈ લીધા. જોકે એ પછી ઍનેસ્થેસિયાની અસર ઊતરતાં જ તે અસહ્ય પીડાથી કરાંજવા લાગ્યો. સેલ્ફ-સર્જરીના બીજા દિવસે દરદ ખૂબ જ વધી જતાં તેના પરિવારજનો ઇમર્જન્સીમાં વૃંદાવનની એક હૉસ્પિટલમાં લઈ આવ્યા. ડૉક્ટરોએ દરદીએ જાતે જે વાઢકાપ કરેલી એ જગ્યા જોઈને જરૂરી મરમ્મત કરી હતી. ડૉક્ટરોનું કહેવું હતું કે નસીબજોગે તેણે પેટની ઉપરના લેયરની ચામડી જ કાપી હતી, અંદરના અવયવોમાં વાઢકાપ નહોતી કરી એટલે વધુ નુકસાન નથી થયું.
લગભગ ચારેક દિવસ ક્રિટિકલ કન્ડિશનમાં રહ્યા પછી હવે રાજાબાબુની તબિયત સુધારા પર છે.