મેડિકલ કૉલેજમાં ભૂલ કરો તો રામ-રામ લખવાની સજા અપાય છે

10 November, 2025 02:58 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રાજર્ષિ દશરથ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સત્યજિત વર્માએ તાજેતરમાં આ આદેશ જાહેર કર્યો હતો

રાજર્ષિ દશરથ મેડિકલ કૉલેજ

અયોધ્યાની રાજર્ષિ દશરથ મેડિકલ કૉલેજમાં‌ શિસ્ત શીખવવા માટે એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે. મેડિકલનું ભણતી વખતે જો કોઈ વિદ્યાર્થી કૉલેજના કૅમ્પસમાં ભૂલ કરે તો તેને કૉલેજ-પ્રશાસન તરફથી દંડ નહીં અપાય, પરંતુ તેમને એક બુકમાં રામ-રામ લખવાની સજા થશે. તેમણે કરેલી ભૂલ મુજબ દંડની શ્રેણી પણ નક્કી કરવામાં આવી છે જેમાં ૧૧થી ૫૧,૦૦૦ વાર રામનામ લખવાની સજાની જોગવાઈ છે. રાજર્ષિ દશરથ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સત્યજિત વર્માએ તાજેતરમાં આ આદેશ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘એવું જોવા મળ્યું છે કે જ્યારે શિસ્તના મામલે સ્ટુડન્ટ્સ ભૂલ કરે અને તેમને સજા આપવામાં આવે તો એની તેમના પર નકારાત્મક અસર પડે છે. એની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. સજાને કારણે ઘણી વાર વિદ્યાર્થીનો કુદરતી વ્યવહાર પણ અલગ થઈ જાય છે. આવામાં પૉઝિટિવ અપ્રોચ માટે સજા તરીકે ડરાવવાને બદલે તેમનું મન શાંત થાય અને તેઓ પોતાની ભૂલ પર વિચારણા કરવા પ્રેરાય એ માટે આ નવો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. આ સજા કોઈ ધર્મ થોપવા માટે નથી. વિદ્યાર્થી પોતે જે ધર્મમાં માનતો હોય એ ભગવાનનું નામ લખે, તેમને જેના પર શ્રદ્ધા હોય એનું નામ લખવાનું રહે છે.’

અત્યાર સુધીમાં ચારથી પાંચ વિદ્યાર્થીઓને આ સજા થઈ છે અને તેમણે એ રામનામ લખીને ચોપડીઓ જમા કરાવી છે. વિદ્યાર્થીઓ તરફથી આ સજાને હકારાત્મક રિસ્પૉન્સ મળ્યો છે.

ayodhya offbeat news national news news Education