07 February, 2026 12:51 PM IST | Baghpat | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના એક નાના કસબામાં રહેતા યુવકનાં અને તેની બહેનનાં લગ્નની આ કંકોતરી છે
સોશ્યલ મીડિયા પર એક કંકોતરી ખૂબ વાઇરલ થઈ રહી છે જેમાં કંકોતરીની ઉપર એક QR કોડ છાપેલો છે. એ સ્કૅન કરતાં જ દુલ્હા-દુલ્હનને ચાંદલો કરવાની વ્યવસ્થા ખૂલી જાય છે. આ કંકોતરીમાં લગ્નોત્સુક યુગલે સ્પષ્ટતા કરી છે કે આજકાલ લગ્નો અટેન્ડ કરવા માટે દૂર-દૂર સુધી ટ્રાવેલ કરવાનું જોખમી થઈ ગયું છે. વળી ટ્રાવેલિંગનો સમય ન હોવાથી કોઈનાં લગ્નમાં હાજર ન રહી શકાય તો સંબંધીઓને ખોટું લાગી જતું હોય છે. જોકે આ યુગલનું કહેવું છે કે ‘જો તમારી પાસે સમય ઓછો હોય અને વ્યસ્તતા વધુ હોય તો લગ્નમાં નહીં આવો તોય ચાલશે. શુકન ઑનલાઇન મોકલાવી દેજો.’
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના એક નાના કસબામાં રહેતા યુવકનાં અને તેની બહેનનાં લગ્નની આ કંકોતરી છે. તેની બહેનનાં લગ્ન ૭ ફેબ્રુઆરીએ છે અને તેનાં લગ્ન ૮ ફેબ્રુઆરીએ. યુવકનું કહેવું છે કે લગ્નમાં સંબંધીઓએ હાજર રહેવું અનિવાર્ય કરી દેવાથી લોકોને અકારણ લાંબું ટ્રાવેલ કરવું પડે છે. લગ્નની સીઝનમાં અકસ્માતો પણ વધે છે અને ટ્રાફિક પણ. તેમના નજદીકી સંબંધોમાં બે લગ્નપ્રસંગો અચાનક ખુશીમાંથી ગમમાં તબદીલ થઈ ગયા હતા એ પછી તેણે સગાંવહાલાંઓને કહી દીધું છે કે ‘લગ્નમાં ન આવી શકાય તો કોઈ વાંધો નહીં. શુભેચ્છા અને શુકન આપવા માટે યાત્રા કરવાની જરૂર નથી, ઑનલાઇન મોકલાવી દેશો.’