પત્નીથી દૂર રહેવા બૅન્ક લૂંટી જેથી જેલ થાય, પણ કોર્ટે ઘરમાં રહેવાની સજા કરી

13 June, 2026 02:13 PM IST  |  Missouri | Gujarati Mid-day Correspondent

પોલીસ આવી ત્યારે તેમણે સામેથી કહ્યું કે તમે જે માણસને શોધો છો તે હું છું. એ પછી તો તેમના પર કેસ ચાલ્યો

૭૦ વર્ષના લૉરેન્સ જૉન રિપલ

કેટલાક ગુના અને એ ગુના માટે થયેલી સજાઓ યુનિક હોય છે. આવો જ યુનિક કેસ થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં બન્યો હતો. અહીં ૭૦ વર્ષના લૉરેન્સ જૉન રિપલ નામના ભાઈએ પત્નીના ત્રાસથી છૂટવા માટે ગુનો કર્યો જેથી પોલીસ તેમને પકડીને લઈ જાય અને ગુનાસર જેલમાં રહેવાની વ્યવસ્થા થઈ જાય. ઘરમાં કપડાં સૂકવવાના ડ્રાયરને લઈને એક વાર બહુ મોટો ઝઘડો થતાં લૉરેન્સે ઠાની લીધું કે આજે તો હવે ઘર છોડીને જ રહીશ. તેણે પત્નીને પણ કહી દીધું કે તારી સાથે ઘરમાં રહેવા કરતાં તો હું જેલમાં રહેવાનું પસંદ કરીશ. એ પછી ભાઈસાહેબ પહોંચ્યા સીધા બૅન્કમાં. કૅશિયરને એક ચિઠ્ઠી આપી. એમાં લખ્યું હતું, ‘મારી પાસે બંદૂક છે અને મને કૅશ જોઈએ છે.’

બૅન્કના કૅશિયર પાસેથી લગભગ ૩૦૦૦ ડૉલર લીધા પછી લૉરેન્સ એ જ બૅન્કની લૉબીમાં બેસી ગયા. પોલીસ આવી ત્યારે તેમણે સામેથી કહ્યું કે તમે જે માણસને શોધો છો તે હું છું. એ પછી તો તેમના પર કેસ ચાલ્યો. એ તપાસમાં ખબર પડી કે લૉરેન્સની થોડા સમય પહેલાં જ હાર્ટ-સર્જરી થઈ હતી અને એ પછી તે ગંભીર ડિપ્રેશનમાં હતા. બૅન્ક-ચોરીના કેસમાં તેમને ૨૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે એમ હતી. જોકે તેમણે જે રીતે કોર્ટમાં ગુનો કબૂલીને સરેન્ડર કર્યું એના આધારે જજે વધુ તપાસ કરતાં ખબર પડી કે ડિપ્રેશનને કારણે તે ઘરથી છૂટવા માગતા હોવાથી જેલમાં જવા માગતા હતા. કોર્ટે આ બધું જોતાં લૉરેન્સને છ મહિના સુધી ઘરમાંથી બહાર ન નીકળવાની સજા કરી હતી. ૩ વર્ષ સુધી તેમના પર નિગરાની રાખવામાં આવે અને યોગ્ય સારવાર મળે એવો આદેશ પણ આપ્યો હતો.

united states of america offbeat news national news news