19 June, 2025 06:58 AM IST | Hamirpur | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મલખાન પ્રજાપતિ નામના પિતાની શિવાની નામની દીકરી દોઢ મહિનાથી ગાયબ હતી. મલખાને પોતાના ગામની એક વ્યક્તિ પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. જોકે એક નહેરમાં કોહવાઈ ગયેલા શરીરવાળી એક યુવતીનો મૃતદેહ મળતાં પોલીસે તેમને ઓળખ માટે બોલાવ્યા. લાશ કોહવાઈ જવાને કારણે ફૂલી ગઈ હતી અને ત્વચા કાળી પડી ગઈ હોવાથી તેમને એ પોતાની દીકરી હોય એવું લાગ્યું. મલખાનભાઈ દીકરીનું શબ લઈ આવ્યા અને તેના અગ્નિ સંસ્કાર પણ કરી દીધા. જોકે આ કંઈ મૃત્યુ નહોતું, પણ અપહરણ અને હત્યા છે એવું મલખાનનું કહેવું હતું અને તેણે એ માટે ગામની મનોજ નામની વ્યક્તિ તરફ શંકા કરી હતી. મનોજ લાપતા હતો, પરંતુ તેના મોબાઇલના લોકેશન પરથી પોલીસે તપાસ કરી તો ઝાંસી પાસેના એક ગામમાં મનોજ મળી ગયો હતો. જોકે કહાનીમાં ટ્વિસ્ટ એ હતો કે મનોજે ખરેખર શિવાનીનું અપહરણ કર્યું હતું અને શિવાની તેની પાસે જીવતી બંધક બનાવેલી હાલતમાં હતી. પોલીસ માટે હવે નવો કોયડો ઊભો થયો છે કે જો શિવાની જીવતી છે તો પછી ૯ દિવસ પહેલાં પિતાએ જેને દીકરી સમજીને અગ્નિ સંસ્કાર કરી નાખ્યા એ મૃતદેહ કોનો હતો? તેની હત્યા કોણે કરી હતી? હવે તો મૃતદેહ પણ નથી ત્યારે એની ઓળખ કરવાનું અસંભવ છે.