29 July, 2026 06:47 PM IST | Aligarh | Gujarati Mid-day Correspondent
દાંતથી કાર ખેંચીને હરિદ્વારથી અલીગઢ કાવડયાત્રા લઈ જશે આ શિવભક્ત
ઉત્તર પ્રદેશના અલીગઢના છજ્જુપુર ગામના નરેન્દ્ર નામના ભાઈએ અનોખી કાવડયાત્રા શરૂ કરી છે. તેમણે હરિદ્વારની હર કી પૌડીથી ૧૧ લીટર ગંગાજળ ભરેલી કાવડ અને ભગવાન શિવની પ્રતિમાને પોતાની કાર પર બિરાજમાન કરી છે અને આ કારને તેઓ પોતાના દાંતથી ખેંચીને પોતાના ગામ અલીગઢ જઈ રહ્યા છે. ૧૦ જુલાઈએ તેમણે આ યાત્રા હરિદ્વારથી શરૂ કરી હતી. નરેન્દ્રનું કહેવું છે કે આ યાત્રા તેમની શિવજી પ્રત્યેની આસ્થા અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો સંદેશ છે. તેમની સાથે ગામના પાંચ શિવભક્તો અને એક ૧૦ વર્ષનું બાળક પણ યાત્રામાં જોડાયેલું છે. તેમની કારની આગળ ગરમીમાં રાહત મળે એ માટે પંખો પણ લગાવેલો છે એટલે કાર ખેંચતી વખતે પંખાની હવાથી ગરમીમાં રાહત મળે. હરિદ્વારથી તેમના ગામનું અંતર લગભગ ૧૦૦ કિલોમીટર જેટલું છે. આટલું અંતર કાપતાં આ શિવભક્તોની ટોળીને ૧ મહિનો લાગશે. ૧૧ ઑગસ્ટે આ યાત્રા પૂર્ણ થશે. ગામ પહોંચીને તેઓ છજ્જુપુરના પ્રાચીન મહાદેવ મંદિરમાં ગંગાજળથી અભિષેક કરશે.