19 June, 2025 01:41 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પતિએ જ કરાવી આપ્યાં પત્નીનાં લગ્ન પ્રેમી સાથે
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના જંગીપુર ગામમાં અરવિંદ બિંદ નામના યુવકનાં લગ્ન ૨૦૨૩માં નજીકના ગામની રીટા સાથે થયાં હતાં. એવું કહેવાય છે કે લગ્ન પહેલાં જ રીટાને સૌરભ નામના યુવક સાથે પ્રેમ હતો અને તે એક વાર ભાગી પણ ગઈ હતી. જોકે તેને પરિવારજનો ગમેએમ કરીને ઘરે પાછી લઈ આવ્યા અને તેમણે અરવિંદ સાથે ઘડિયાં લગન કરી નાખ્યાં. જોકે પત્ની ખુશ નહોતી એવું અરવિંદને લાગતું હતું. રીટા અનેક વાર પોતે ઝેર ખાઈને મરી જશે અથવા મારી નાખશે એવી ધમકી આપતી હતી એને કારણે અરવિંદે ઘણા સમયથી પત્નીના હાથનું બનેલું જમવાનું પણ છોડી દીધું હતું. આજકાલ પત્નીઓ દ્વારા જે રીતે પતિઓને મારી નાખવાના કિસ્સા બહાર આવી રહ્યા છે એ જોતાં અરવિંદે સામે ચાલીને જ પત્નીને તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યાં. મંદિરના પ્રાંગણમાં જ પતિએ પોતાની નજર સામે બન્નેને સાદગીપૂર્ણ રીતે પરણાવી આપ્યાં હતાં.