03 January, 2026 03:07 PM IST | Pithoragarh | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તરાખંડમાં ભારત-નેપાલની બૉર્ડર પાસે આવેલા પિથોરાગઢ જિલ્લાના તાડેગાંવમાંથી હવે લોકો પલાયન કરી રહ્યા છે. એટલી હદે લોકો સ્થળાંતર કરીને બીજે રહેવા જતા રહ્યા છે કે ગામમાં જીવનજરૂરિયાતની ચીજો તો નથી જ મળતી અને ઇમર્જન્સીમાં કોઈ માનવીય મદદ મેળવવા પણ લાંબે જવું પડે છે. તાજેતરમાં આ ગામમાં ઝુપાદેવી નામનાં ૧૦૦ વર્ષનાં માજી ગુજરી ગયાં. તેમના અંતિમ સંસ્કારની પરંપરા માટે કાંધ આપવા ચાર લોકો તો જોઈએને? દીકરાએ માજીના મૃત્યુના સમાચાર આપ્યા તો ગામના પ્રધાન આવ્યા, પરંતુ કાંધ આપવા ચાર જણ જોઈએ એ ક્યાંથી લાવવા? ગામમાં માત્ર ત્રણ જ જણ હતા એક ગ્રામપ્રધાન, બીજો માજીનો દીકરો અને તેમનો નાનકડો પૌત્ર. ગામના પ્રધાને ભારત-નેપાલ બૉર્ડર પરથી સશસ્ત્ર સીમા દળના જવાનોને બોલાવીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તજવીજ કરવી પડી.