આ ઍમૅઝૉનનું રેઇનફૉરેસ્ટ નથી, કેરલાના જંગલમાં આવેલું ક્રિકેટનું મેદાન છે

25 May, 2025 12:06 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

અત્યંત અડાબીડ હરિયાળા જંગલની વચ્ચે એક સ્વચ્છ, સુઘડ અને ક્રિકેટની પિચ સાથેનું ગ્રાઉન્ડ કેરલાના ત્રિશૂર જિલ્લામાં છે. 

ક્રિકેટ મેદાન

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ક્રિકેટનાં ગ્રાઉન્ડ તો ભારતમાં ઘણાં છે, પરંતુ ભારતનું સૌથી સુંદર ક્રિકેટનું મેદાન કયું? એનો જવાબ આપવાનો હોય તો કેરલાનાં જંગલોમાં જવું પડે. ચોતરફ અકલ્પનીય હરિયાળીની વચ્ચે આવેલું અહીંનું ક્રિકેટનું ગ્રાઉન્ડ આજકાલ સોશ્યલ મીડિયા પર છવાયેલું છે.

ડ્રોન કૅમેરાથી લીધેલી તસવીરો જોઈને તો ખરેખર આ જગ્યાના પ્રેમમાં પડી જવાય એવું છે. અત્યંત અડાબીડ હરિયાળા જંગલની વચ્ચે એક સ્વચ્છ, સુઘડ અને ક્રિકેટની પિચ સાથેનું ગ્રાઉન્ડ કેરલાના ત્રિશૂર જિલ્લામાં છે. 

કેરલામાં જોવા માટે અનેક ચીજો છે. સમુદ્ર, પહાડ, બૅકવૉટર્સ, હરિયાળું જંગલ અને હવે એમાં એક ઉમેરો થયો છે આ દિલ જીતી લે એવા ક્રિકેટના મેદાનનો. ત્રિશૂરના વરંદરપ્પિલી વિસ્તારમાં આવેલું આ ગ્રાઉન્ડ સ્વર્ગથી જરાય ઊતરતું નથી. શ્રીજીત એસ. નામના સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે ડ્રોનથી લેવાયેલી તસવીરો અને સ્થાનિક લોકો એમાં ક્રિકેટ રમી રહ્યા હોય એવો વિડિયો શૅર કર્યો હતો. કૅપ્શનમાં લખ્યું હતું આ ઍમૅઝૉનનનું જંગલ નથી. છ દિવસ પહેલાં પોસ્ટ થયેલો આ વિડિયો એટલો વાઇરલ થયો છે કે ચાર કરોડથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. કેટલાકને એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કમાલ લાગે છે તો કેટલાકે એને ‘ઍમૅઝૉન ક્રિકેટ ગ્રાઉન્ડ’ નામ આપ્યું છે. એક જણે તો લખ્યું છે, ‘બસ, એક વાર અહીં ક્રિકેટ રમી લઉં, પછી રિટાયર થઈ જઈશ.’

kerala cricket news national news news viral videos social media offbeat news