20 June, 2025 12:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગરમીથી છુટકારો મેળવવા ભાઈસાહેબે કૂવાની અંદર જ ખાટલો લટકાવી દીધો
શહેરોમાં તો પંખો અને ઍર-કન્ડિશનરની સુવિધા હવે આમ થઈ ગઈ છે, પરંતુ વરસાદ પહેલાંની ગરમીથી અનેક ગામો ભઠ્ઠીની જેમ તપી રહ્યાં છે ત્યારે ગામવાસીઓ તેમના લોકલ જુગાડ લગાવે એ સ્વાભાવિક છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે એનો જુગાડ જોઈને પણ પસીનો છૂટી જાય એમ છે. ઉત્તર ભારતના ગામનો આ જુગાડ ખરેખર કોઈ હિંમતવાન જ અપનાવી શકે એમ છે. ગરમીથી છુટકારો મેળવવા ભાઈસાહેબે આખેઆખો ખાટલો જ કૂવામાં અધવચ્ચે ઉતારી દીધો છે. દોરડાથી લટકાવીને મૂકેલા ખાટલાને સ્થિર રાખવા માટે તેણે કૂવાની દીવાલમાં લાકડાં પણ ભરાવ્યાં છે. ઊંઘમાં જરાક અમથું પડખું ફેરવવામાં પણ જો ગરબડ થઈ તો સીધા કૂવામાં પડાય એવું છે. જોકે નીચે પાણી હોવાથી ઠંડી લહેરખી આવે એ હિસાબે ભાઈસાહેબે જુગાડ વાપર્યો છે. @humour\_dukan નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વિડિયો શૅર થયો છે. એમાં એક દેશી માણસ દોરડાથી નીચે ઉતારેલા ખાટલા પર આરામથી લંબાવીને સૂતો છે.