03 April, 2026 12:44 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
પાર્વતમ્માએ પોતાની જિંદગીનો એક મોટો હિસ્સો વાંદરાઓને સમર્પિત કર્યો હતો
કર્ણાટકના રામનગર જિલ્લાના રાયરા ડોટ્ટી ગામમાં એક એવી ઘટના ઘટી જે જોઈને ગામલોકોની આંખો ભીની થઈ ગઈ. ૮૫ વર્ષનાં પાર્વતમ્મા ઉંમરને કારણે આવતી ટૂંકી બીમારીમાં મૃત્યુ પામ્યાં. પાર્વતમ્માએ પોતાની જિંદગીનો એક મોટો હિસ્સો વાંદરાઓને સમર્પિત કર્યો હતો. તેઓ રોજ પોતાના ઘર પાસે આવતા વાંદરાઓને પુચકારતાં, બોલાવતાં, ખવડાવતાં અને સ્નેહથી દુલારતાં. આસપાસના લોકોને વાંદરાઓ આફત લાગતા, પણ પાર્વતમ્મા માટે તો જાણે આંગણે આવતા બંદરો તેમના પોતીકા હતા. જ્યારે તેમની અંતિમવિધિ માટે પાર્વતમ્માના પાર્થિવ શરીરને આંગણામાં મૂકવામાં આવ્યું ત્યારે માણસોની ભીડને ચીરીને એક વાંદરો ત્યાં આવ્યો. એણે પાર્થિવ દેહના ચહેરા પર ઢાંકેલું કપડું હટાવ્યું અને થોડીક ક્ષણો એમ જ મૂક થઈને ત્યાં બેસી રહ્યો. થોડી વાર પછી એણે શબની વધુ નજીક જઈને ચહેરાને પંપાળ્યો. પછી તે પાર્વતમ્માની છાતીને વળગીને આંસુ સારવા લાગ્યો. ક્યાંય સુધી વાંદરો આંખ બંધ કરીને તેમની છાતી પર, મોં પર અને કપાળ પર જાણે ચૂમતો હોય એમ વળગી રહ્યો; જાણે પોતાના છેલ્લા સહારાના જવાનો માતમ મનાવી રહ્યો હોય. નજરે જોનારા લોકોનું કહેવું હતું કે આ દૃશ્ય જોઈને હાજર તમામ લોકો અવાચક થઈ ગયા હતા. એક વાનરની સંવેદનાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો ત્યારે એ જોઈને પણ ભલભલાની આંખો ભીની થઈ જાય એમ છે.