11 July, 2025 01:31 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
બોકારો જિલ્લામાં એક વૃદ્ધ મહિલા ક્ષતિગ્રસ્ત જોખમી પુલ પાર કરતી હોય એવો વિડિયો વાઇરલ થયો હતો
ઝારખંડના બોકારો જિલ્લામાં એક વૃદ્ધ મહિલા ક્ષતિગ્રસ્ત જોખમી પુલ પાર કરતી હોય એવો વિડિયો વાઇરલ થયો હતો. જર્જરિત લોખંડના પુલ પર પોતાનું સંતુલન જાળવી રાખીને આ મહિલાએ સુરક્ષિત રીતે પુલ પાર કર્યો હતો. મહિલા પુલની વળેલી રેલિંગને પકડીને પોતાનું સંતુલન જાળવી રાખીને ચાલતી રહી હતી. એક નાનકડી ભૂલ પણ તેને જીવનભર અપંગ બનાવી શકે એમ હતી. આ વિડિયોની નોંધ લઈને બોકારો જિલ્લાના કલેક્ટર અજયનાથ ઝાએ પુલનું ઝડપી સમારકામ કરવાનો આદેશ આપ્યો છે. આ પુલના સમારકામ માટે ગ્રામજનોએ પત્રો લખ્યા હતા અને માગણી કરી હતી, પણ માત્ર એક વાઇરલ વિડિયોએ કામ કરી દીધું. પુલનો અડધો ભાગ તૂટી ગયો છે એથી ગ્રામજનોને આવવા-જવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી, પણ આ વિડિયો બાદ કલેક્ટરે તાત્કાલિક સમારકામનો આદેશ આપ્યો છે.