10 November, 2025 03:08 PM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક વહુએ પોતાની જ સાસુને અત્યંત બરહેમીથી સળગાવીને મારી નાખી હતી. લલિતા નામની ૩૦ વર્ષની વહુએ સાસુ કનક મહાલક્ષ્મીને રમત રમવાના નામે ખુરસી સાથે બાંધીને સળગાવી મારી હતી. વાત એમ હતી કે લલિતાને પોતાના પતિ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સાસુ વચ્ચે પડીને હસ્તક્ષેપ કરી રહી હતી એ વાતે વહુને બહુ ગુસ્સો હતો. આ જ ગુસ્સામાં તેણે સાસુને પતાવી દીધી હતી. દીકરી સાથે રમવાના બહાને તેણે સાસુને ખુરસી પર બેસાડીને તેના હાથ બાંધી દીધા અને પછી આંખે પણ પાટો બાંધી દીધો. એ પછી તેણે સાસુ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. આગ ભડકી ઊઠતાં સાસુ પીડાથી ચીસો પાડતી રહી, પણ વહુએ જરાય દયા બતાવી નહીં. એવામાં ૮ વર્ષની દીકરી દાદીને આગમાં સળગતી જોઈને તેને બચાવવા દોડી હતી. આગને કારણે તે પણ દાઝી ગઈ હતી, પરંતુ લલિતાએ દીકરીને ત્યાંથી ખેંચી લીધી હતી. પૌત્રીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પતિને તેણે કહ્યું હતું કે ઘરમાં સાસુ ટીવી જોઈ રહ્યાં હતાં ત્યારે ટીવીમાં શૉર્ટ સર્કિટ થવાથી લાગેલી આગમાં બળી ગયાં હતાં. જોકે પોલીસે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે સચ્ચાઈ સામે આવી ગઈ. ૮ વર્ષની દીકરીએ પણ જે કહ્યું એના આધારે લલિતાને સાસુને બાળી મારવાના આરોપમાં પકડી લેવામાં આવી.