09 July, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૨૧ વર્ષના એક યુવાને સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ‘હું કોઈ કામ કરવા માગતો નથી. મારું ભરણપોષણ કરવાની જવાબદારી મારાં માતા-પિતાની છે, કેમ કે તેમણે મને જન્મ આપ્યો ત્યારે મને પૂછ્યું નહોતું.’
યુવાનનું કહેવું છે કે ‘મારે તો આ દુનિયામાં જન્મવું જ નહોતું, પણ મારાં મા-બાપે મને પૂછ્યું જ નહીં. જો મેં પૃથ્વી પર જન્મ લેવા માટે હામી ન ભરી હોય અને મા-બાપે તેમની મરજીથી મને જન્મ આપ્યો હોય તો મારી જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી તેમની જ ન કહેવાય?’
યુવાનના આ સવાલને કેટલાક લોકો કામ ન કરવાની આળસ અને નઠારાપણું માને છે તો કેટલાક લોકો એને બહુ ઊંડો સવાલ માને છે. આ વિચારધારા ઍન્ટિ-નૅટલિસ્ટ મૂવમેન્ટ તરીકે થોડાંક વર્ષો પહેલાં ખૂબ ચર્ચામાં આવી હતી. મુંબઈના માહિમમાં રહેતા રાફેલ સૅમ્યુઅલે ૨૦૧૯માં આવો જ સવાલ ઉઠાવીને પોતાનાં માતાપિતાને સવાલોના કઠેડામાં ઊભાં કર્યાં હતાં. આ ફાની દુનિયામાં હવે બાળકને જન્મ આપવો જ ન જોઈએ એવું આ ઍન્ટિ-નૅટલિસ્ટ સમુદાય માને છે. જો આવનારી પેઢીને આપણે સ્વસ્થ, શાંતિપૂર્ણ અને સેફ જિંદગી આપી શકવાના ન હોઈએ તો એ પેઢીની પરવાનગી વિના નવી પેઢીને પૃથ્વી પર લાવવી જ ન જોઈએ એવું આ વિચારધારાના લોકો માને છે.