ફ્રિજ વિના પંખાની મદદથી એક જ કલાકમાં આઇસક્રીમ બનાવી દીધો આ કન્યાએ

24 June, 2026 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહેનના દાવા મુજબ થોડા જ કલાકોમાં બરણીમાં આઇસક્રીમ બનીને તૈયાર હતો

વિડિયોમાં પણ મસ્ત આઇસક્રીમ જોવા મળે છે

ગરમીમાં આઇસક્રીમ અને કુલ્ફીની મજા કોને ન ગમે? પણ જો ઘરમાં ફ્રિજ ન હોય અને આઇસક્રીમ બનાવવો હોય તો શું કરવું? સોશ્યલ મીડિયા પર એક યુવતીએ મજાનો જુગાડ શૅર કર્યો છે. પહેલાંના જમાનામાં ફ્રિજને બદલે કોઠીમાં ગોળ-ગોળ ફેરવીને આઇસક્રીમ જમાવવામાં આવતો હતો. આ જ ટેક્નિકનો ઉપયોગ જરાક સ્માર્ટ રીતે આ યુવતીએ કર્યો છે. તેણે શૅર કરેલા વિડિયોમાં પહેલાં યુવતી દૂધમાં કસ્ટર્ડ પાઉડર નાખીને દૂધ ઉકાળીને એને કઢિયલ બનાવે છે અને પછી તપેલું પાણીમાં મૂકીને દૂધ ઠંડું પાડે છે. એ પછી કોઠીને બદલે દૂધને એક બરણીમાં ભરવામાં આવે છે અને એના પર ઢાંકણું પણ બંધ કરી દે છે. કોઠીમાં આઇસક્રીમ બનાવવા માટે બેથી ત્રણ કલાક સુધી એને ગોળ-ગોળ ચર્ન કરવો પડે છે. આ બહેને બરણીને દોરીથી પંખા સાથે બાંધી દીધી હતી અને બરણીની ફરતે ટબમાં બરફના ટુકડા ભર્યા હતા. એ પછી પંખો ચાલુ કરી દેતાં દૂધની બરણી બરફની વચ્ચે આપમેળે ગોળ-ગોળ ફરવા લાગી અને એ પણ એકધારી ગતિએ. જે કામ કોઠીમાં આપણે હાથેથી મહેનત કરીને કરીએ એ પંખાએ વધુ સારી રીતે અને વધુ ઝડપથી કરી નાખ્યું. બહેનના દાવા મુજબ થોડા જ કલાકોમાં બરણીમાં આઇસક્રીમ બનીને તૈયાર હતો. વિડિયોમાં પણ મસ્ત આઇસક્રીમ જોવા મળે છે.

heat wave viral videos offbeat news national news news