BJPના સંસદસભ્યનો પુત્ર મોઢે માસ્ક અને ટોપી પહેરીને છૂપી રીતે જંતર મંતર આંદોલનમાં ગયો હતો

12 September, 2026 02:33 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

ધર્મસેના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહિત ચૌધરીએ આ અનોખા કિસ્સા પાછળનાં કારણો સ્પષ્ટ કર્યાં હતાં

સંસદસભ્ય ચૌધરી ધરમબીરના પુત્ર મોહિત ચૌધરી

હરિયાણાના ભિવાની-મહેન્દ્રગઢના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય ચૌધરી ધરમબીરના પુત્ર મોહિત ચૌધરીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. મોહિત ચૌધરીએ ખુલાસો કર્યો છે કે દિલ્હીના જંતર મંતર પર જ્યારે જેન-ઝીનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તે પોતાની ઓળખ છુપાવીને ગુપ્ત રીતે વિરોધ-પ્રદર્શનના સ્થળે પહોંચ્યો હતો. મોહિતે મીડિયાને જણાવ્યું હતું કે એ સમયે BJPના સંસદસભ્યનો પુત્ર હોવાની ઓળખ જાહેર ન થાય એ માટે તેણે ખાસ ટોપી અને માસ્ક પહેર્યાં હતાં. ધર્મસેના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહિત ચૌધરીએ આ અનોખા કિસ્સા પાછળનાં કારણો સ્પષ્ટ કર્યાં હતાં. જંતર મંતર તેના દિલ્હીના નિવાસસ્થાનથી માત્ર એકાદ કિલોમીટર દૂર છે. મોહિતે કહ્યું હતું કે ‘BJPના સંસદસભ્યનો પુત્ર હોવાના નાતે વિરોધ-પ્રદર્શનની વાસ્તવિક સ્થિતિ જોઈને પિતાને માહિતગાર કરવા એ મારી ફરજ હતી જેથી પિતા સંસદના સત્ર દરમ્યાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે. જો હું પોતાની સાચી ઓળખ સાથે ગયો હોત તો BJPના સંસદસભ્યનો પુત્ર હોવાનું જાણીને પ્રદર્શનકારીઓ વચ્ચે પરિસ્થિતિ વણસી શકી હોત.’

haryana bharatiya janata party jantar mantar national news news new delhi