10 January, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકરનો હાઇએસ્ટ રન-સ્કોરરનો માઇલસ્ટોન તોડી શકે છે વિરાટ કોહલી
ભારતના અનુભવી અને સ્ટાર પ્લેયર રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર આગામી એક અઠવાડિયા માટે આખા ક્રિકેટજગતની નજર રહેશે. ભારત માટે માત્ર વન-ડે ફૉર્મેટ રમતા આ બન્ને પ્લેયર્સને લઈને બરોડા, રાજકોટ અને ઇન્દોરમાં ભારે ક્રેઝ છે. ગણતરીના કલાકોમાં આ ત્રણેય વેન્યુ પર રમાનારી વન-ડે મૅચની ટિકિટો વેચાઈ ગઈ હતી.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની વન-ડે ફૉર્મેટના ઇતિહાસમાં સચિન તેન્ડુલકર હાઇએસ્ટ રન-સ્કોરર છે. તેના સિવાય કિવીઓ સામે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ભારતીય પ્લેયર્સ તરીકે ૧૦૦૦થી વધુ રન કર્યા છે. ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ વન-ડે રન કરનાર ઍક્ટિવ ભારતીયોમાં આ બન્ને પ્લેયર્સનાં નામ ટૉપ પર છે.
સચિન તેન્ડુલકરે કિવીઓ સામે ૪૨ મૅચમાં પાંચ સદી અને ૮ હાફ-સેન્ચુરીને આધારે સૌથી વધુ ૧૭૫૦ રન કર્યા છે. વિરાટ કોહલી ૩૩ મૅચમાં ૬ સદી અને ૯ ફિફ્ટીના આધારે ૧૬૫૭ રન સાથે બીજા ક્રમે છે. એક સદીની મદદથી તે ભારત-ન્યુ ઝીલૅન્ડની સ્પર્ધાનો હાઇએસ્ટ રન-સ્કોરર બની શકે છે. રોહિત શર્મા ૩૧ મૅચમાં બે સદી અને ૬ ફિફ્ટીની મદદથી ૧૦૭૩ રન કરીને ઓવરઑલ લિસ્ટમાં દસમા ક્રમે છે. રોહિત શર્મા આ સિરીઝમાં પોતાનો રેકૉર્ડ સુધારવાનો પ્રયાસ કરશે.