21 November, 2025 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અધુ ધાબી T10 લીગની શરૂઆતમાં જ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહને ઍસ્પિન સ્ટૅલિયન્સની કૅપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે નૉર્ધર્ન વૉરિયર્સ સામેની પહેલી જ મૅચમાં ભજ્જીની ટીમ ૪ રનથી હારી ગઈ હતી. ૧૧૫ રનના ટાર્ગેટ સામે જ્યારે અંતિમ ઓવરમાં ૮ રનની જરૂર હતી ત્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહનવાઝ દહાનીએ ભજ્જી સહિત ત્રણ બોલરની વિકેટ ઝડપી લઈને માત્ર ૩ રન આપ્યા હતા. ભજ્જીની ટીમ ૭ વિકેટે ૧૧૦ રન કરી શકી હતી.
એક રન બનાવીને અંતિમ ઓવરમાં રનઆઉટ થયેલા ભજ્જીએ મૅચના અંતે શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવ્યો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ ટુર્નામેન્ટમાં ભજ્જી સહિતના ભૂતપૂર્વ ભારતીય પ્લેયર્સે પહલગામ હુમલાને કારણે પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી હતી. સોશ્યલ મીડિયા પર ભજ્જીને તેના આ વલણ બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને એને દંભી કહેવામાં આવી રહ્યો છે.