18 January, 2026 10:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની ક્રિકેટરની મૂર્ખતાનું પ્રદર્શન
અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાની ટીમને કારમી હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ઇંગ્લૅન્ડના ૨૧૦/૧૦ના સ્કોર સામે પાકિસ્તાન ૧૭૩ રને સમેટાઈને ૩૭ રને હાર્યું હતું. આ મૅચ દરમ્યાન પાકિસ્તાનના ૧૧ નંબરના પૂંછડિયા બૅટર અલી રઝાએ મૂર્ખતાનું પ્રદર્શન કરીને ટીમને ઑલઆઉટ કરાવી હતી.
પેસ બોલર અલી રઝા રન પૂર્ણ કરવા માટે સ્ટ્રાઇકર એન્ડ તરફ દોડી રહ્યો હતો ત્યારે ક્રીઝને પાર કરવાને બદલે તેણે વિકેટકીપરને થ્રો માટે રસ્તો આપ્યો અને રનઆઉટ થઈ ગયો હતો. તેણે થોડા સમય બાદ બૅટ ક્રીઝને પાર કર્યું પણ એ પહેલાં તે રનઆઉટ થઈ ચૂક્યો હતો. ૪૬.૩ ઓવરમાં તેની વિકેટ સાથે પાકિસ્તાની ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાન અને ઑસ્ટ્રેલિયાએ પણ કરી વિજયી શરૂઆત
શુક્રવારે અફઘાનિસ્તાને ૨૬૬/૮ના સ્કોર સામે સાઉથ આફ્રિકાને ૨૩૮ રનના સ્કોર પર ઑલઆઉટ કરીને ૨૮ રને જીત નોંધાવી હતી. આયરલૅન્ડે ૭ વિકેટ ગુમાવીને ૨૩૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે ૩૯.૪ ઓવરમાં ૨૩૭/૨નો સ્કોર કરીને ૮ વિકેટે વિજયી-શરૂઆત કરી હતી.