23 August, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, શુભમન ગિલ
ભારતીય ક્રિકેટના પરિવર્તનના તબક્કામાં ઘણા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન આવી રહ્યા છે. શુભમન ગિલને T20 ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવીને સિલેક્ટર્સે તેને ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બનાવવાનો મજબૂત સંકેત આપ્યો હતો, પરંતુ હવે અહેવાલ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ અને સિલેક્ટર્સ વન-ડે માટે એક અલગ વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છે. રોહિત શર્મા બાદ તેઓ મિડલ ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરને વન-ડે કૅપ્ટનના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
T20 એશિયા કપ 2025ની ટીમમાં ભલે તેને સ્થાન ન મળ્યું, પણ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ના તેના ધમાકેદાર પ્રદર્શનના આધારે તેણે વન-ડે કૅપ્ટન્સી માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. તેણે ભારત માટે ૭૦ વન-ડેમાં ૪૮.૨૨ની ઍવરેજથી પાંચ સદીની મદદથી ૨૮૪૫ રન કર્યા છે. શુભમન ગિલ ટેસ્ટ-કૅપ્ટન હોવાની સાથે વાઇટ-બૉલ ફૉર્મેટની બન્ને ટીમનો વાઇસ-કૅપ્ટન પણ છે. તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને ભારતીય બોર્ડ તેને વધારે જવાબદારી ન આપવા પર વિચાર કરશે.
જોકે ઐયરના પ્રમોશનનો સમય રોહિત શર્માના ઇન્ટરનૅશનલ કરીઅરના ભવિષ્ય વિશેના નિર્ણય પર નિર્ભર રહેશે. ૩૮ વર્ષનો વન-ડે કૅપ્ટન રોહિત તેના સાથી-ક્રિકેટર વિરાટ કોહલી સાથે આગામી ઑસ્ટ્રેલિયા ટૂર પર અંતિમ વન-ડે સિરીઝ રમશે એવી ચર્ચા છે. જો રોહિત રાજીનામું આપવાનો નિર્ણય લે તો ઑસ્ટ્રેલિયા સિરીઝ પછી તરત જ ઐયર કૅપ્ટન્સી સંભાળી શકે છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કૅપ્ટન્સીના દાવેદાર પર સૌની નજર રહેશે.