29 August, 2026 07:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈ-સ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા આશિષ શેલાર
મહારાષ્ટ્ર સરકારમાં ઇલેક્ટ્રૉનિક્સ, IT, AI અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર ઈ-સ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશન (ESGF)નું સુકાન સંભાળશે. ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી ESGF બોર્ડ મીટિંગ દરમ્યાન આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં હાજર તમામ સભ્યો અને રાજ્ય પ્રતિનિધિઓએ સર્વાનુમતે પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
આશિષ શેલારે કહ્યું હતું કે ‘ભારતમાં ઈ-સ્પોર્ટ્સ ઝડપથી વિકસી રહ્યું છે અને આપણા યુવાનોમાં અપાર પ્રતિભા છે. આપણા દેશમાં આશરે ૬૦૦ મિલ્યન લોકો ઈ-સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે. આવતા મહિને ભારતીય ઈ-સ્પોર્ટ્સ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે જપાન જશે. અમારો પ્રયાસ ખેલાડીઓને વધુ સારાં પ્લૅટફૉર્મ, તાલીમ, સ્પર્ધાઓ અને વિકાસની તકો પૂરી પાડવાનો રહેશે.’
ઈ-સ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશન (ESGF) એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારતમાં ઈ-સ્પોર્ટ્સ અને માઇન્ડ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા, નિયમન કરવા અને વિકસાવવા માટે સમર્પિત છે. ઇન્ટરનૅશનલ લેવલના ઈ-સ્પોર્ટ્સ ફેડરેશનની આ સભ્ય સંસ્થા દેશની અંદર એક સંગઠિત અને ટકાઉ ઈ-સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવામાં પણ ફાળો આપે છે.