14 May, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચંદ્રન અશ્વિન
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ-ક્રિકેટ રિટાયરમેન્ટ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ ઑલરાઉન્ડર કહે છે, ‘મને ખબર નહોતી કે (રોહિત અને કોહલી) બન્ને એકસાથે નિવૃત્તિ લેશે. આ ભારતીય ક્રિકેટ માટે કસોટીનો સમય હશે અને હું કહીશ કે આ ખરેખર (હેડ કોચ) ગૌતમ ગંભીર યુગની શરૂઆત છે. તેમની નિવૃત્તિ ચોક્કસપણે નેતૃત્વમાં ખાલીપો છોડી દેશે. તમે અનુભવ ખરીદી શકતા નથી, ખાસ કરીને આવી ઇંગ્લૅન્ડ-ટૂર પર. વિરાટની ઊર્જા અને રોહિતની ધીરજની ખોટ સાલશે. ઇંગ્લૅન્ડ-ટૂર કરનારી ટીમ સંપૂર્ણપણે નવી ટીમ હશે, એક બદલાયેલી ટીમ જેમાં જસપ્રીત બુમરાહ કદાચ સૌથી સિનિયર પ્લેયર હશે. તે સ્વાભાવિક રીતે કૅપ્ટન્સી માટેના વિકલ્પોમાંથી એક છે; મને લાગે છે કે તે કૅપ્ટન્સીને લાયક છે, પરંતુ સિલેક્ટર્સ તેની શારીરિક ક્ષમતાના આધારે નિર્ણય લેશે.’
બૉર્ડર-ગાવસકર ટ્રોફી
ટેસ્ટ-સિરીઝની વચ્ચેથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર અશ્વિન કહે છે, ‘મને પ્રામાણિકપણે લાગે છે કે કોહલી પાસે ટેસ્ટ-ક્રિકેટ રમવા માટે ચોક્કસપણે એક કે બે વર્ષ બાકી હતાં. રોહિતે ઓછામાં ઓછું ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝ સુધી રમવાનું હતું, કારણ કે ટીમમાં નેતૃત્વનો અભાવ છે.’