15 August, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહ
ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભારતે આગામી એશિયા કપમાં પાકિસ્તાન સામેની મૅચનો બહિષ્કાર કરવો જોઈએ. થોડા દિવસ પહેલાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમે પાકિસ્તાન સામે લીગ રાઉન્ડ અને ત્યાર બાદ સેમી ફાઇનલ મૅચનો બહિષ્કાર કર્યો હતો. ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમમાં ભજ્જી ઉપરાંત યુવરાજ સિંહ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ વગેરેનો સમાવેશ હતો. ટીમ ઇન્ડિયા પણ આનું જ અનુકરણ કરે એવી અપેક્ષા હરભજન સિંહ રાખે છે અને પૂછે છે કે શું દુશ્મન દેશ સાથે ક્રિકેટ રમવું યોગ્ય રહેશે?
સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ભારતીય ટીમે પાડોશી દેશ સામે રમવાનો ઇનકાર કરી દેવો જોઈએ એવું દૃઢપણે માનતા ભજ્જીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘તેમણે સમજવું જોઈએ કે શું જરૂરી છે અને શું નહીં. મારા માટે એટલી જ વાત છે કે આપણા દેશના જવાનો સરહદ પર ઊભા છે, આપણા દેશને સુરક્ષિત રાખી રહ્યા છે. તેમની ફૅમિલી મહિનાઓ સુધી તેમને જોઈ નથી શકતી. તેઓ શહીદ થઈ જાય છે અને ઘરે પાછા આવી નથી શકતા અને આપણે ક્રિકેટ રમવા નીકળી પડીએ છીએ. તેમનું બલિદાન આપણા બધા માટે ઘણું મોટું છે. એની સરખામણીમાં આ એક ખૂબ નાની બાબત છે. આપણે એક ક્રિકેટ-મૅચ પણ છોડી નથી શકતા. આ એક મામૂલી વાત છે.’
ઍક્ટર હોય કે ક્રિકેટર, દેશથી કોઈ મોટું નથી એમ કહેતાં ભજ્જીએ ઉમેર્યું કહ્યું હતું કે ‘અમારી જે પણ ઓળખ છે એ દેશને લીધે છે. દેશ હંમેશાં સૌથી પહેલાં આવે અને એના પ્રત્યે આપણું જે કર્તવ્ય છે એ આપણે નિભાવવું જરૂરી છે. દેશની સામે એક ક્રિકેટ-મૅચ ન રમવી એ એક ગૌણ બાબત છે.’
આ ઉપરાંત ભજ્જીએ આપણા ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ પણ ન મિલાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે મીડિયાએ પણ તેમને અને તેમની પ્રતિક્રિયાને ટીવી પર ન દેખાડવી જોઈએ. તેમણે તેમના દેશમાં બેઠાં-બેઠાં જે કરવું હોય એ કરે, પણ આપણે તેમને બહુ ઇમ્પોર્ટન્સ ન આપવું જોઈએ.