16 September, 2025 11:37 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
ભારત-પાકિસ્તાન મૅચના રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટ
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારત-પાકિસ્તાન મૅચના રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટને નવા વિવાદમાં ખસેડવામાં આવ્યો છે. મૅચ બાદ ભારતના પ્લેયર્સ દ્વારા હાથ ન મિલાવવાના વર્તનથી રોષે ભરાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મૅચના ૬૯ વર્ષના રેફરીને એશિયા કપની બાકીની મૅચોમાંથી તાત્કાલિક દૂર કરવાની માગણી કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વર્તમાન પ્રમુખ મોહસિન નકવીએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘PCBએ મૅચ-રેફરી દ્વારા ICC આચારસંહિતા અને ક્રિકેટ-ભાવના નિયમોના ભંગ વિશે ICCને ફરિયાદ નોંધાવી છે. એશિયા કપમાંથી આ મૅચ-રેફરીને તાત્કાલિક દૂર કરવાની માગ કરે છે.’ તેણે ભારત સામે રમતમાં રાજકારણ ઘૂસવાનો અને રમતગમત-ભાવનાનો અભાવ હોવાનો આરોપ પણ લગાડ્યો હતો.
અહેવાલ અનુસાર મૅચ-રેફરીએ ટૉસ પહેલાં સલમાન અલી આગા સામે ભારતીય પ્લેયર્સ હાથ નહીં મિલાવશે એ વાત સ્પષ્ટ કરી હતી. જોકે આ એક ACC ટુર્નામેન્ટ છે જેમાં ICCની કોઈ સંગઠનાત્મક ભૂમિકા નથી.
મૅચ-અધિકારીઓની ફાળવણી ICC દ્વારા કરવામાં આવે છે. મૅચ-રેફરીને દૂર કરીને તેમના સ્થાને બીજાની નિમણૂક કરવા માટે ICC જ હસ્તક્ષેપ કરી શકશે.