16 September, 2025 11:14 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
દુબઈમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા બાદ કૅપ્ટન સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં સાથી પ્લેયર્સ અને હોટેલ રૂમમાં પત્ની સાથે પોતાની ૩૫મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી
T20 એશિયા કપ 2025ની હાઈ-વૉલ્ટેજ મૅચમાં પાકિસ્તાનને કારમી હાર આપી ભારતે ગ્રુપ-Aમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. મૅચ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમે પરંપરાગત રીતે હરીફ ટીમ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ વિશે પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે ‘તેમની સામે રમવું એવો અમારી ટીમે નિર્ણય લીધો હતો. અમે ફક્ત રમવા આવ્યા હતા. અમે તેમને યોગ્ય જવાબ આપ્યો.’
તેણે વધુમાં કહ્યું કે ‘કેટલીક બાબતો સ્પોર્ટ્સમૅન સ્પિરિટથી આગળ હોય છે. અમે આ જીત અમારાં સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ જેમણે ઑપરેશન સિંદૂરમાં ભાગ લીધો હતો. અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઊભા છીએ. આશા છે કે તેઓ આપણને બધાને પ્રેરણા આપતા રહેશે અને જ્યારે પણ તક મળશે ત્યારે અમે તેમને ખુશી આપવાનો પ્રયત્ન કરીશું.’ T20 એશિયા કપ 2025ના સુપર ફોરમાં ભારત-પાકિસ્તાનની ફરી એક વાર ટક્કર થવાની પૂરેપૂરી સંભાવના છે.
એક ટીમ તરીકે અમે પહલગામ હુમલાના પીડિતો, તેમના પરિવારો અને તેમની સાથે જે થયું એ પ્રત્યે અમારી એકતા દર્શાવવા માગતા હતા. ઑપરેશન સિંદૂરમાં સફળતા માટે અમે સશસ્ત્ર દળોનો પણ આભાર માનવા માગીએ છીએ. મને ખાતરી છે કે અમે દેશને ગર્વ અને ખુશ કરવાનો પ્રયાસ કરીશું. - હેડ કોચ ગૌતમ ગંભીર