21 November, 2026 08:57 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બંગલાદેશના ઢાકામાં રમાયેલી બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026ની ફાઇનલ મૅચ ટૉસ વિના વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. એમ છતાં પાકિસ્તાનને ચૅમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. ભારતે આ નિર્ણયનો વિરોધ કરીને ટ્રોફી સેરેમનીનો બહિષ્કાર કર્યો હતો.
ક્રિકેટ અસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયાએ શૅર કરેલા વિડિયો પરથી જાણવા મળ્યું કે પાકિસ્તાની અધિકારીઓએ નિયમો અનુસાર ચાલ્યા વગર ખોટો નિર્ણય લીધો છે. વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ સુલતાન શાહ, જે પાકિસ્તાનના બ્લાઇન્ડ ક્રિકેટ અસોસિએશનના વડા પણ છે તેમણે ટેક્નિકલ કમિટીના નિર્ણયને ઉલટાવી દીધો છે.
ટેક્નિકલ કમિટીએ વરસાદને કારણે રદ થયેલી આ મૅચ માટે બન્ને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવાનું સૂચન કર્યું હતું. જોકે પ્રમુખ સુલતાન શાહે સારા નેટ રન-રેટને કારણે પાકિસ્તાનને વિજેતા જાહેર કર્યું હતું. ટુર્નામેન્ટના નિયમો અનુસાર ફાઇનલ મૅચ ટાઇ થાય ત્યારે જ સારા નેટ રન-રેટવાળી ટીમને વિજેતા જાહેર કરી શકાય છે.