25 July, 2026 12:09 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
ભારતનો T20 કૅપ્ટન શ્રેયસ ઐયર, ભારતની મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌર.
જપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ગઈ કાલે દરેક રમત માટે ગ્રુપ-ડ્રૉ જાહેર કરવામાં આવ્યા હતા. ભારત, પાકિસ્તાન, બંગલાદેશ અને શ્રીલંકાની મેન્સ ક્રિકેટ ટીમોએ પુરુષ ક્રિકેટ ઇવેન્ટના નૉકઆઉટ તબક્કામાં સીધો પ્રવેશ મેળવ્યો છે.
મેન્સ ક્વૉર્ટર ફાઇનલની અન્ય ચાર ટીમો ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ૬ ટીમો વચ્ચેની રસાકસીથી નક્કી થશે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, જપાન અને નેપાલને સ્થાન મળ્યું છે જ્યારે ગ્રુપ Bમાં ઓમાન, મલેશિયા અને હૉન્ગકૉન્ગ છે. દરેક ટીમ પોતપોતાની ગ્રુપ-ટીમો સામે એક-એક વખત રમશે અને દરેક ગ્રુપની ટૉચની બે ટીમો આગળ વધશે.
મહિલાઓની ક્રિકેટ ઇવેન્ટ સીધી ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડથી શરૂ થશે. ભારતીય વિમેન્સ ટીમ યજમાન જપાન સામે ટકરાશે. અન્ય મૅચો થાઇલૅન્ડ-પાકિસ્તાન, મલેશિયા-શ્રીલંકા અને ચાઇના-બંગલાદેશ વચ્ચે નક્કી થઈ છે.
એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ઇવેન્ટ ૧૭થી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે, જ્યારે પુરુષોની ઇવેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધી યોજાશે. એશિયન ગેમ્સની પાછલી આવૃત્તિમાં પુરુષ અને મહિલા બન્ને ક્રિકેટ ઇવેન્ટમાં ભારત ગોલ્ડ મેડલ જીત્યું હતું.