29 August, 2026 07:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BCCIની ફાઈલ તસવીર
એશિયન ગેમ્સ ૧૯ સપ્ટેમ્બરથી જપાનના આઇચી-નાગોયામાં શરૂ થવાની છે. પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી ૩ ઑક્ટોબર દરમ્યાન અને મહિલા ટુર્નામેન્ટ ૧૭ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર દરમ્યાન યોજાવાની છે. જોકે ઇવેન્ટનાં ત્રણ અઠવાડિયાં પહેલાં જપાનમાં ક્રિકેટ-સુવિધાઓ પર સવાલ ઊભા થયા છે.
ભારત, પાકિસ્તાન, બંગલાદેશ સહિત એશિયન ક્રિકેટ કાઉન્સિલ જપાનમાં ક્રિકેટ-સુવિધાઓની વ્યવસ્થા અને સુવિધાઓથી અસંતુષ્ટ છે. ક્રિકેટની રમતો કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે જે પહેલાં બેઝબૉલ ગ્રાઉન્ડ હતું. પિચ અને તંબુવાળા ડ્રેસિંગ રૂમ પણ ઇન્ટરનૅશનલ સ્તરનાં નથી. વધુમાં હોટેલના રૂમ ખૂબ નાના છે.
અહેવાલ અનુસાર સુવિધાના અભાવને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાની B ટીમ મોકલી શકે છે. આ નિર્ણય લેતાં પહેલાં બોર્ડ ત્યાં એક નિરીક્ષક મોકલશે. નિરીક્ષક રિપોર્ટ સબમિટ કરશે અને જો વ્યવસ્થાઓ યોગ્ય ન હોય તો B ટીમ મોકલવાનું વિચાર કરવામાં આવી શકે છે. શ્રેયસ ઐયરની આગેવાનીમાં પહેલાંથી એશિયન ગેમ્સ માટે ભારતીય સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે.