19 November, 2024 02:30 PM IST | Perth | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન સામે T20 સિરીઝ જીત્યા બાદ ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતી ઑસ્ટ્રેલિયન ટીમ
ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે ત્રણ મૅચની T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી. હોબાર્ટમાં રમાયેલી અંતિમ T20 મૅચમાં કાંગારૂઓએ ૭ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. પાકિસ્તાને ઑલઆઉટ થઈને આપેલા ૧૧૮ રનના ટાર્ગેટને ઑસ્ટ્રેલિયાની ટીમે ૧૧.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ઑસ્ટ્રેલિયાએ પહેલી મૅચમાં ૨૯ રન અને બીજી મૅચમાં ૧૩ રને જીત મેળવી હતી.
માર્કસ સ્ટૉઇનિસ ૨૭ બૉલમાં ૬૧ રનની અણનમ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
બાવન બૉલ પહેલાં જીત નોંધાવીને ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે મોટો રેકૉર્ડ પણ બનાવ્યો છે. ૨૦૧૯થી હમણાં સુધી ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સતત ૭ T20 મૅચમાં હરાવ્યું છે. આવું કરનાર ઑસ્ટ્રેલિયા પહેલી ટીમ બની છે. ન્યુ ઝીલૅન્ડ ૨૦૨૩થી સતત ૬ મૅચ જીતીને આ લિસ્ટમાં બીજા ક્રમે છે. પાકિસ્તાની ટીમે ઑસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારૂઓ સામે એક પણ T20 મૅચ ન જીતવાનો કંગાળ રેકૉર્ડ યથાવત્ રાખ્યો છે. આ પહેલી T20 સિરીઝ છે જેમાં કાંગારૂ ટીમ પાકિસ્તાન સામે ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી હોય.