24 October, 2025 09:54 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પા ૬૦ રનમાં ૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો
ઍડીલેડમાં ગઈ કાલે ભારત સામે બે વિકેટે જીત મેળવીને ઑસ્ટ્રેલિયાએ ત્રણ વન-ડેની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરીને ભારતે રોહિત શર્મા અને શ્રેયસ ઐયરની શતકીય ભાગીદારી અને પૂંછડિયા બૅટર્સની ફટકાબાજીના આધારે ૯ વિકેટ ગુમાવીને ૨૬૪ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ ૪૬.૨ ઓવરમાં ૮ વિકેટે સહેલાઈથી ૨૬૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૨૦૦૮થી ભારત અહીં છેલ્લી પાંચ વન-ડેમાં અપરાજિત રહ્યું હતું. ૨૫ ઑક્ટોબરે સિરીઝની અંતિમ અને ઔપચારિક મૅચ સિડનીમાં રમાશે.
પહેલી ઇનિંગ્સની સાતમી ઓવરમાં ૧૭ રનના સ્કોરે ભારતે બે વિકેટ ગુમાવી ત્યાર બાદ રોહિત શર્મા અને શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટ માટે ૧૩૬ બૉલમાં ૧૧૮ રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ ૯૭ બૉલમાં ૭ ફોર અને બે સિક્સર ફટકારીને સૌથી વધુ ૭૩ રન કર્યા હતા. વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરે ૭ ફોરના આધારે ૭૭ બૉલમાં ૬૧ રન કર્યા હતા.
પૂંછડિયા બૅટર્સ હર્ષિત રાણા ૨૪ રન અને અર્શદીપ સિંહે ૧૩ રનનો સાધારણ સ્કોર કરીને ફૅન્સનું મનોરંજન કર્યું હતું. આઠમી વિકેટ માટેની ૨૯ બૉલમાં ૩૮ રનની ભાગીદારીમાં બન્નેએ પાંચ ફોર ફટકારી હતી. ઑસ્ટ્રેલિયાના સ્પિનર ઍડમ ઝૅમ્પાએ ૬૦ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી.
બે વ્યક્તિગત ફિફ્ટી અને ભારતીય પ્લેયર્સે આપેલાં ત્રણ જીવતદાનથી ઑસ્ટ્રેલિયા માટે રનચેઝ સરળ બન્યો હતો. ત્રીજા ક્રમે રમી મૅથ્યુ શૉર્ટે ૪ ફોર અને બે સિક્સરના આધારે ૭૮ બૉલમાં ૭૪ રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે અણનમ રહીને કૂપર કોનોલીએ વન-ડે કરીઅરની પહેલી વન-ડે ફિફ્ટી ફટકારી હતી. તેણે ૫૩ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સરની મદદથી ૬૧ રન કર્યા હતા. ભારતના સ્પિનર વૉશિંગ્ટન સુંદર, ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને બે-બે સફળતા મળી હતી.
કિંગ કોહલી વન-ડેમાં પહેલી વખત બૅક-ટુ-બૅક ઝીરોમાં
પર્થ બાદ ઍડીલેડમાં પણ વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયામાં ઝીરોમાં આઉટ થયો હતો. તે ચાર બૉલ રમીને LBW આઉટ થયો હતો. તેની ૩૦૩ વન-ડેની કરીઅરમાં પહેલી વખત તે સતત બે મૅચમાં ઝીરોમાં આઉટ થયો છે. ઍડીલેડમાં ઇન્ટરનૅશનલ કરીઅર દરમ્યાન પહેલી વખત આઉટ થયા બાદ તેને સ્ટેડિયમમાં ફૅન્સ દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું. એ પછી કોહલીએ નીચું મોઢું રાખી એક હાથ ઊંચો કરીને ફૅન્સનો આભાર માન્યો હતો. આ ઘટના બાદ સોશ્યલ મીડિયા પર તેના રિટાયરમેન્ટની ચર્ચા ફરી શરૂ થઈ છે. તે વિદેશી પ્લેયર તરીકે ઍડીલેડમાં સૌથી વધુ ૯૭૫ ઇન્ટરનૅશનલ રન કરનાર પ્લેયર છે.
40 વખત ભારત માટે ઝીરોમાં આઉટ થવામાં બીજા ક્રમે. ઇશાન્ત શર્માના રેકૉર્ડની બરાબરી કરી કોહલીએ. ઝહીર ખાન ૪૩ ઝીરો સાથે પ્રથમ ક્રમે છે.
હિટમૅનની ઇનિંગ્સ રહી રેકૉર્ડબ્રેક